ગાંધીનગર-મુંબઈ રૂટ પર ટ્રેનોની ટોપ સ્પીડ વધીને 160 કિમી પ્રતિ કલાક થશે; વંદે ભારત, શતાબ્દીનો લાભ મળશે

વડોદરા: મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટોપ સ્પીડ આ વર્ષના માર્ચ મહિનાથી વધીને 160 કિમી પ્રતિ કલાક થવાની ધારણા છે. પશ્ચિમ રેલવેએ આ શક્ય બનાવવા માટે રેલવે ટ્રેકનું કામ પૂર્ણ કર્યું છે. ટોપ સ્પીડનો લાભ માત્ર વંદે ભારત એક્સપ્રેસને જ નહીં પરંતુ આ રૂટ પરની શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોને પણ મળશે. જેના કારણે ગાંધીનગર-મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય અડધો કલાક ઘટી જશે.

વંદે ભારત એક્સપ્રેસની ટોપ સ્પીડ હાલમાં અમદાવાદ અને વડોદરા વચ્ચે 113 કિમી/કલાક છે. વડોદરા અને સુરત વચ્ચે સ્પીડ ઘટીને 105 કિમી પ્રતિ કલાક થઈ જાય છે. સુરતથી વાપી સુધી તે ઘટીને 95 કિમી પ્રતિ કલાક થાય છે. વાપીથી બોરીવલી સુધીની ઝડપ 108 કિમી પ્રતિ કલાક સુધી જાય છે. બોરીવલીથી મુંબઈ સેન્ટ્રલ રૂટ પર, ઝડપ ઘટીને 35 કિમી પ્રતિ કલાક થઈ જાય છે. આમ આ રૂટ પર સૌથી વધુ ઝડપ અમદાવાદ-વડોદરા રૂટ પર પ્રાપ્ત થાય છે જે 113 કિમી/કલાક છે. આ માર્ગ પર સરેરાશ ઝડપ 91/કલાક રહે છે. હાલમાં એક તરફની મુસાફરીનો આદર્શ સમય પાંચ કલાક અને પચીસ મિનિટનો છે.

Leave a Comment