વડોદરા: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ની સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યું છે. જોકે, પાદરા તાલુકામાં પથ્થરમારાની ઘટનાથી ઉજવણીમાં વિઘ્ન આવ્યું હતું. પાદરાના ભોજ ગામમાં અભિષેક સમારોહ બાદ નીકળેલી શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં પાંચથી વધુ મહિલાઓ ઘાયલ થઈ હોવાના અહેવાલ છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફલો પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એકત્ર કરવામાં આવ્યો હતો.
ગામેથા ગામમાંથી હિંદુ એકતા સંગઠન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનેક ગામોમાંથી પસાર થઈ ભાથીજી મંદિરે સમાપન થનાર હતું. જ્યારે રેલી ભોજ ગામમાં પહોંચી ત્યારે પથ્થરમારો થયો હતો, જેમાં પાંચથી વધુ મહિલાઓ ઘાયલ થઈ હતી. પોલીસે જણાવ્યું છે કે હાલ સ્થિતિ કાબૂમાં છે.
એવું જાણવા મળે છે કે સરઘસ દરમિયાન પોલીસની હાજરી શરૂઆતમાં ઓછી હતી. જોકે, ઘટનાને પગલે પોલીસનો પુરતો કાફલો આવી પહોંચ્યો હતો. હાલ પોલીસે પથ્થરમારો કોણે કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. પથ્થરબાજોને પકડવા પોલીસના પ્રયાસો ચાલુ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી બાદ સ્થિતિ કાબુમાં આવી હતી.