અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે એક જ દિવસમાં ત્રણ લોકો પર હુમલો કરનાર હિંસક બની ગયેલી સિંહણને શુક્રવારે રાત્રે વન વિભાગે બચાવી પાંજરે પુરી હતી. વન વિભાગ દ્વારા 10 કલાકના મેગા ઓપરેશનના અંતે સિંહણને પકડી લેવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ શુક્રવારે સવારે વાવેરા ગામના રહેવાસી વશરામભાઈ સોલંકી અને મંજુબેન સોલંકી પર આક્રમક સિંહણએ હુમલો કર્યો હતો. બંને વ્યક્તિઓને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઘટનાની જાણ થતાં એસીએફ વાઘેલા, આરએફઓ યોગરાજસિંહ રાઠોડ સહિત વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગની ટીમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે.
જોકે, સાંજના સમયે ધાતરવડી ડેમ પાસે સિંહણએ દિનેશ સાંખટ નામના યુવક પર હુમલો કર્યો હતો. દિનેશને પણ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.