ગુજરાતી કવિતા અને ગજલ/Gujarati Kavita Gazal

સોનેરી એક સાંજની આ વાત લાવી છું.

સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાત સમી આશ લાવી છું.
સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.
હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.
મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું….
– વિકા રાહુલ ધ્રુવ

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.
શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.
કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.
ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.
ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.
– હેમેન શાહ

ટીપાંની જલધિ કને શું વિસાત હોઇ શકે ?

ટીપાંની જલધિ કને શું વિસાત હોઇ શકે ?
પણ અસવાર થવા લાયકાત હોઇ શકે.
બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું
પ્રકાશમાં જુદા જુદા પરદાઓ સાત હોઇ શકે.
ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી ત્યાં ઝંઝાવાત હોઇ શકે.
ધીમા અવાજ વડે બારી આજ ખખડે છે,
ઉઘાડી જો તો ખરો, પારિજાત હોઇ શકે.
યુગો સુધી પછી જેની થતી રહે ચર્ચા,
નિમેષ માત્ર ટકે એવી વાત હોઇ શકે.
જરાક ગમગીની માંગી’તી શાયરી માટે,
વધુ મળી એ તારો પક્ષપાત હોઇ શકે.
– હેમેન શાહ

બોલ નહિ તું આટલો ગદગદ થઇ

બોલ નહિ તું આટલો ગદગદ થઇ
આ તને શોભે નહીં,કાસદ થઇ.
ભિન્નતા વધતી ગઇ એવી રીતે,
દૂધ-સાકર વચ્ચો વચ સરહદ થઇ.
પૃથ્વી પરના રંગ કાચા નીકળ્યા
આખરે લીલાશ પણ રૂખશદ થઇ.
આમ ન્હોતો શ્ર્વાસ લેવાનો સમય.
પૂતળું જ્યારે બન્યો, ફુરસદ થઈ
એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઇ.
– હેમેન શાહ

મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે,

મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે,
અંતે બહારના જ ક્લેવરની વાત છે.
દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું ?
પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે.
મેં પણ કરી અતીત ઉપર ભૂલથી નજર,
પથ્થર બની ગયેલ મુસાફરની વાત છે.
ઊભા રહેવા જેને મળી સોયની અણી
માલિક એ વિશ્ર્વનો છે, મુકદ્દરની વાત છે.
જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.
– હેમેન શાહ

એટલામાં તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના ?

એટલામાં તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના ?
એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના.
સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના
ઘાસમાં વેરાય આખર લાખ ટુકડા કાચના.
ધૂળિયો રસ્તો, ખભા પર શેરડીની ગાંસડી.
ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના.
છ ઘણા નાના તફાવત માત્ર દ્દષ્ટિકોણના,
રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના.
રાહ તારી જોઉ છું દર્પણના સીમાડા ઉપર
આવવા તો ક્યાં દે અંદર લાખ ટુકડા કાચના.
શક્ય છે બે યુગની વચ્ચેના સુલભ એકાંતમાં….
બેસી ગણતો હોય ઇશ્ર્વર લાખ ટુકડા કાચના.
કંઇક વસ્તુઓ ફક્ત દેખાવથી બનતી નથી,
ક્યાં રચી શકતા સમંદર લાખ ટુકડા કાચના.
જિંદગીને સ્થિર કશો આકાર કઇ રીતે મળે ?
સ્થાન બદલે છે નિરંતર લાખ ટુકડા કાચના
– હેમેન શાહ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
પ્રેમના પ્ર…કરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.
હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,
જળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ.
કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ.
– હેમેન શાહ

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.
શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.
કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે.
ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.
ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.
– હેમેન શાહ

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !
આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !
જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.
થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?
ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.
– હેમેન શાહ

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !
આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !
જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.
થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?
ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.
-હેમેન શાહ

કલમને લાગ્યો કાટ બાલમા

કલમને લાગ્યો કાટ બાલમા
લાગણી વાળે દાટ બાલમા
ઊભી રહીને ભિજાવું રસ્તે
ભાવો જુવે ત્યાં વાટ બાલમા
મનડુ મુંજાય કરતું ધખારા
કોણ સમજે સીધું સાટ બાલમા
દઈને બેઠા એને દિલના દાન
હવે કહેતું’કે પડો પાટ બાલમા
કેમ રે કરવું ને કેમ રહેવું મારે
વાંછું પ્રેમની એક છાંટ બાલમા
– હેમલ દવે

બહાર ખખડે પાનખર ને ભીતર ખાલીપો રે-હેમલ દવે

બહાર ખખડે પાનખર ને ભીતર ખાલીપો રે
સુખદુખનો દીધા કરે જિંદગી જાણે થપ્પો..રે
મનમા મુંજવે માયલો બહાર ખેલે અંજપો રે
ભીડાય છે સંજોગોને ગ્રહી રહે આ સંતાપો રે
ભુલો ભરેલો રસ્તો દેખાય આકરો તપતો રે
કોસો દુર દેખાય સુખનો ડુંગરો મલપતો રે
મળ્યો નહિ એક શબ્દ ગગને ઉછાળાતો રે
પ્રેમના ઠાલા વચનો નો જાણે ગુલદસ્તો રે
લકીરોનો જમેલો આમ રચાઇને ફેલાતો રે
ફુટી ગયો ફટ ફરીને જુઠનો આ પરપોટો રે
નામ વગરનો સંબંધ રહે આમ દબાતો રે
જાણી જોઇને કબરમા જીવતો જ દટાતો રે
આ સળવળાટ સતત મારામા સમાતો રે
રેલો એક ફર્યા કરે રહે “હેમ”થી સંતાતો રે
– હેમલ દવે

દુખના ગાભામાંથી શોધ્યુ સુખનુ ચીંદરડૂ

દુખના ગાભામાંથી શોધ્યુ સુખનુ ચીંદરડૂ
હતૂ નાનકુ લીરુ પણ મહેક્તુ હતુ ચીંદરડુ
ક્યારેક હતુ એ જાહોજહાલીમાં ઉછરેલુ
હતા સારાવાના ત્યારે પુજાતુ’તુ ચીંદરડુ
સુખદુખથી દુર જોજનો સુધી ફેંકાયેલુ
તાણાવાણામાં ગુંથાઇ ભટ્કેલુ’તુ ચીદરડુ
ગમોના વાયરાઓ થકી હતુ ફંટાયેલુ
રાખીને મલાજો જગતનો બેઠુ’તુ ચીંદરડુ
નાની જીંદગીમા અનેક હાથોમા ફરેલુ
ક્યાક્યા કેવા હાથોમાંચુંથાયેલુ’તુ ચીંદરડુ
ધુંરધરોના મનના મેલોથી અભડાયેલુ
ક્યાંક હશે કોઇને શરમ માનતુ’તુ ચીંદરડુ
હશે હવે આવુ જ નસીબમાં મંડાયેલુ
તકદીરની રમતને સ્વીકારતુ’તુ ચીંદરડુ
એના ક્ષ્વાસોની કીંમતની રાહે બેઠેલુ
દેશે કોઇ હિંમત ચાહ લઇ બેઠુ’તુ ચીંદરડુ
– હેમલ દવે

જે અહીં ચાલે છે એ સમજુ છું ગાફેલ નથી

જે અહીં ચાલે છે એ સમજુ છું ગાફેલ નથી
બસ એ બદલી શકું હું એટલો કાબેલ નથી
મારા પર મારા કતલનો કર્યો આરોપ તમે
કેમ સાબિત કરું કે એમાં હું સામેલ નથી
છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી
કેવો અળખામણો થઈ જાય છે સીધો માણસ
સાચુ બોલે છે જમાનાનો એ ખાધેલ નથી
વ્યાપ મારો મને જોવા નથી દેતો બાકી
એવું ક્યાં છે કશું કે જેમાં એ વ્યાપેલ નથી
-હેમંત પૂણેકર

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી
કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી
હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી
ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
-હેમંત પુણેકર

એમ થોડો લગાવ રાખે છે

એમ થોડો લગાવ રાખે છે
સ્વપ્નમાં આવજાવ રાખે છે
ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
હલકો હલકો તણાવ રાખે છે
ફૂલ શી જાત રક્ષવા માટે
કાંટા જેવો સ્વભાવ રાખે છે
એ તો દબડાવવા સમંદરને
ફક્ત કાગળની નાવ રાખે છે
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે
-હેમંત પુણેકર

દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો

દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો
એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો
સાચુ બોલ્યો તો વગોવાઈ ગયો
જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો
સાવ ખૂણામાં મને નાખી દઈ
પૂછે છે “કેમ તું નંખાઈ ગયો?”
રોજ બદલ્યો મને થોડોથોડો
ને હવે કહે છે “તું બદલાઈ ગયો”!
એનું પથ્થરપણું વધતું જ ગયું
પાંચ માણસમાં જે પૂજાઈ ગયો
જે સતત સ્વપ્નમાં રમમાણ રહ્યો
આખરે ઊંઘતો ઝડપાઈ ગયો!
– હેમંત પુણેકર

મયભરી મદમસ્ત આંખો છે, શરાબી ભૂલ કર

મયભરી મદમસ્ત આંખો છે, શરાબી ભૂલ કર
એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલ કર
સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર
ભૂલ બુજદિલ આગિયા જેવી તો પકડાઈ જશે
જા, તું ખૂલ્લેઆમ જઈને આફતાબી ભૂલ કર
ચહેરો દેખાડી અરીસો રોજ રંજાડે તને
તું પણ એને છળ કદી, જા, એક નકાબી ભૂલ કર
ઉરમાં ઈચ્છાઓને જણતું એક ધબકતું યંત્ર છે
એના તાબે ના થવાની ઇન્કિલાબી ભૂલ કર
-હેમંત પુણેકર

પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે

પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
પછી ચાંદ બહુ હોશિયારી કરે છે
જરી અમથી છે વાત મારી તમારી
છતાં સૌ વધારી વધારી કરે છે
હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા?
મળે છે મને, વાત તારી કરે છે
આ ઝાકળને આવી, તુજ આંસુની ઈર્ષા
જે ફૂલોથી કોમળ સવારી કરે છે
સુકોમળ સપન તે છતાં ઊગવાનાં
તું શું પથ્થરોની પથારી કરે છે!
મહેકતી પળો છે, બહેક મન મૂકીને
બધું શું વિચારી વિચારી કરે છે
અચાનક મળી તું, અવાચક છું હું, પણ
હૃદય હર્ષની ચિચિયારી કરે છે
– હેમંત પુણેકર

તોય કંઇ સમજાય જો હોય ઝાંઝવા જેવું-હેમંત પુણેકર

તોય કંઇ સમજાય જો હોય ઝાંઝવા જેવું
છળવુ તારુ ન દેખાતી આ હવા જેવું
હવે તો આસમાનોની જ વાતોમાં રમે છે મન
લાગે કશુંયે ના ધરા પર પામવા જેવું
સમશાન શુ લાગ્યા કરે આખુ શહેર મુજને
જીવતુ બચ્યુ છે કોણ અહીંયા ચાહવા જેવું
રહેવાને માટે દિલ જેવી જગ્યા નથી દિલબર
બાકી ઘરોમાં હોય છે શું બાંધવા જેવું
મન મળે ના શું શરમ સંબંધની રાખુ
એ મરે એમાં નથી કંઇ નાહવા જેવું
બની બેઠા ગુરુ સૌના કરે છે વાત એ એવી
લાગે નહી એ વાતમાં કંઇ માનવા જેવું
“હેમંત” હવે તો માણવો છે સ્વાદ મૃત્યુનો
જિંદગીમાં ક્યાં હતુ કંઇ ચાખવા જેવું
– હેમંત પુણેકર

કાબૂ રહ્યો છે ક્યાં હવે દિલના સુકાન પર

કાબૂ રહ્યો છે ક્યાં હવે દિલના સુકાન પર
આવી ચડે છે નામ એ મારી જબાન પર
સ્મિત આપી, ફોસલાવીને, ગેબી વિમાન પર
લઈ જાય છે એ આંખોને સ્વપ્નિલ ઉડાન પર
મહેમાન થઈને મહાલે છે શમણામાં ટેસથી
એને ખબર શું વીતે છે આ મેજબાન પર
શરબતમાં પીવડાવું ને એ પ્રેમમાં પડે
ભૂકી મળે છે એવી ક્યાં કોઈ દુકાન પર
રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
રસ્તા બધા જ જાય છે એના મકાન પર
પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં
શાણા બધા લડે છે, જો ગીતા કુરાન પર
– હેમંત પુણેકર

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે,
ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું,
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે,
ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે
ત્યારેતણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે,
ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે,
સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે,
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે,
નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું,
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે,
– હેમંત પૂણેકર

આ રૂપ અને રંગના વહાલ મેલ, મન!

આ રૂપ અને રંગના વહાલ મેલ, મન!
જોયું ઘણું જોયા તણા ખયાલ મેલ,મન!
જો રંગની જ હોય મઝા તો બીજા નથી?
હોળી ગઈ વીતી હવે ગુલાલ મેલ,ન!
સાગર સમા થવું છે કિન્તુ ખાર લાધશે,
મોટા થઇ જવાની આ ધમાલ મેલ,મન!
ઉજ્જડ જીવનની રાત, સફરનો ન ધ્રુવ કો,
તું દૂરદર્શીતાની આ મશાલ મેલ,મન!
પામે ન ફૂલ ડાળનોય આશરો સદા,
આલંબને જીવી જવાનો ખ્યાલ મેલ,મન!
પાછળ ગયું શું?ને શું આવશે હવે પછી?
તું ચાલ,વ્યર્થના બધા સવાલ મેલ,મન!
જોયું જશે કદીક સ્વપ્ન જો મળે મધુર,
જાગ્યા પછી હવે શું?!આશ હાલ મેલ,મન!
-હેમંત દેસાઈ

ઓસમાં જેમ આભનું બિમ્બ પડે અફર પડે

ઓસમાં જેમ આભનું બિમ્બ પડે અફર પડે
જ્યારે ઉઘાડે આંખ તું મારી ઉપર નજર પડે.
તું જે દિશા તરફ વળે સામે મળું હું દિશદિશે
રાહ તું લે જે એ બધી રાહ માં મારું ઘર પડે.
તારી છલકમાં એમ કંઇ મારી ય છોળ ઓતપ્રોત
તારી ખબર થતાં મને મારા વિષે ખબર પડે.
તારી સુવાસ પાસ આ મારું હવા હવા થવું
મારા હરેક હાલની તારી ઉપર અસર પડે.
કેવું સભર કર્યું છે તેં મારું જીવન હું શું કહું
એક ઘડી વિતાવવા ઓછી મને ઉમર પડે.
-હેમંત ઘોરડા

ઓસમાં જેમ આભનું બિમ્બ પડે અફર પડે

ઓસમાં જેમ આભનું બિમ્બ પડે અફર પડે
જ્યારે ઉઘાડે આંખ તું મારી ઉપર નજર પડે.
તું જે દિશા તરફ વળે સામે મળું હું દિશદિશે
રાહ તું લે જે એ બધી રાહ માં મારું ઘર પડે.
તારી છલકમાં એમ કંઇ મારી ય છોળ ઓતપ્રોત
તારી ખબર થતાં મને મારા વિષે ખબર પડે.
તારી સુવાસ પાસ આ મારું હવા હવા થવું
મારા હરેક હાલની તારી ઉપર અસર પડે.
કેવું સભર કર્યું છે તેં મારું જીવન હું શું કહું
એક ઘડી વિતાવવા ઓછી મને ઉમર પડે.
-હેમંત ઘોરડા

જરા જૂદી બની ગઇ છે કથા તારી, કથા મારી,

જરા જૂદી બની ગઇ છે કથા તારી, કથા મારી,
ગમી છે એટલે મુજને વ્યથા તારી, વ્યથા મારી.
વચન છે આપવા માટે વચન ને આપતા રહેશું,
કદી વચનો નહી પાળે મજા તારી, મજા મારી.
અલગ છે દર્દ તારા ને અલગ છે દર્દ મારા તો-
ગણું કેવી રીતે કહીદે દવા તારી, દવા મારી.
રૂડું સર્જન કરી નાખે જગત જોતું રહે જેને,
અગર ભેગી થઈ જાએ કલા તારી, કલા મારી.
તું મુખડું છે ગઝલનું ને ગઝલની અંતમાં હું છું,
ગઝલમાં છે જુદી જુદી જગા તારી, જગા મારી.
-હેમંત કારિયા.

પરણવા જનારને કઠણાઈ કોટિ આવશે ! શી ખબર

પરણવા જનારને કઠણાઈ કોટિ આવશે ! શી ખબર
અર્ધાંગિની ને નામે, આંધી મોટી આવશે ! શી ખબર
કળી સમાન કન્યા ગોતી ને બંદો ફેરા ફરેલો ચાર
મોંઘી સાડીમા લપેટેલ લખોટી આવશે ! શી ખબર
કદના સંદર્ભમા અમે ગજબ છેતરાયા છીએ યારો
પીયાલી માગી’તી,ગાગર મોટી આવશે ! શી ખબર
ઘરના બારણા અમે તો કેટરિનાના માપે બનાવેલા
પરણેલ ભાર્યા ભારતી ભંભોટી આવશે ! શી ખબર
દારૂડિયા ને આશા હોય સે રમ વોડકા શેમ્પેઈનની
બાર ગર્લ એને ગંગાજળ લોટી આપશે ! શી ખબર
માલપવાના થાળ જોઇ ને લાલચની લાળો ટપકતી
ફુટ્યા નસીબમા લખેલ રામરોટી આવશે ! શી ખબર
લગ્નની હાથાજોડીમા હાથ ધરેલો “હિમ્મતે ” મિરાને
સરાહનાને બદલે કાંટાળી સોટી વાગશે ! શી ખબર
– હિમ્મત પટેલ

મા-બાપ રોજ ઠેસ ખાય છે ઉંબરે

મા-બાપ રોજ ઠેસ ખાય છે ઉંબરે
દિકરા પુજવા જાય દેવ ને ડુંગરે
નથી ખપનુ કથા પારાયણ શ્રવણ
એ થોડુ નાસમજણનુ પાપ સંઘરે
માથુ ચડે તેને સમજે છે વળગણ
ને શ્રીફળ વધેરે હનુમાનને ગોંદરે
જાણે ન કશુ જુથબળ ને નિષ્ઠા મા
આ રામસેતુ ને કેમ બાંધ્યો વાંદરે
જાત્રા કરીને બાંધ્યુ પુણ્યનુ પોટકુ
હરખ મા ભુલી આવ્યો એને પાદરે
હિમ્મત કેવા એ ધનદાન આપે છે
પછી તક્તીના અનાવરણ આદરે
-હિમ્મત પટેલ

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે
લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે
તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે
સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…
આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…
– હિમાંશુ ભટ્ટ્

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે
ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે
ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે
સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે
જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે
– હિમાંશુ ભટ્ટ

વાતમાં વિશ્વાસ જેવું હોય છે

વાતમાં વિશ્વાસ જેવું હોય છે
પ્રેમમાં અહ્સાસ જેવું હોય છે
બે નજર મળશે કદી ને તે પછી
પ્રેમમાં પ્રયાસ જેવું હોય છે
પ્રેમમાં મળશે તું બીજાને, અને
તારી પણ તલાશ જેવું હોય છે
લાગણીની વાત છે અહિંયા બધી
આંખમાં ભીનાશ જેવું હોય છે
પ્રેમમાં હોતી નથી મંઝિલ કશી
બસ સતત પ્રવાસ જેવું હોય છે
હિમાંશુ ભટ્ટ

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે
લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે
તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે
સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…
આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…
– હિમાંશુ ભટ્ટ્

લઉં છું વિદાય દોસ્તો ! છેલ્લા સલામ છે,-હિમલ પંડ્યા

લઉં છું વિદાય દોસ્તો ! છેલ્લા સલામ છે,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે;
ઓગળવા જઈ રહ્યો છે પત્થરનો દેહ આ,
સરકી રહેલા શ્વાસની છોડી લગામ છે;
એણે ધર્યો’તો વિષનો પ્યાલો ય એ રીતે,
મહેફિલમાં સૌને એમ કે છલકાતો જામ છે;
પૂછો ના દિલને કોણ દુભાવે છે હરઘડી,
અંગત ગણી શકાય બધા એવા નામ છે;
ઓળખ ખરી મળી છે આ દુનિયા તણી હવે,
ખંજર ધર્યા છે હાથ, ને હોઠોમાં રામ છે;
લાગે છે એટલે આ ગઝલ તીર્થસ્થાન પણ;
છે શબ્દ જ્યાં, અમારે મન ત્યાં ચારધામ છે.

જખ્મને લીલા સદાયે રાખજો,-હિમલ પંડ્યા

જખ્મને લીલા સદાયે રાખજો,
દર્દની ભાષા તમે પણ વાંચજો;
જિંદગી ઘેરાઈ છે અંધારમાં,
સ્નેહકેરા દીપથી અજવાળજો;
દોસ્ત છે, ક્યારેક દિલ દુ:ભાવશે!
દુશ્મનો સાથે ઘરોબો રાખજો;
સ્મિત આપો તો સમર્પણ માગશે,
રીત છે દુનિયા તણી, સ્વીકારજો;
છે અનોખા આ જગતના ધોરણો;
જીવવું પડશે છતાં, સંભાળજો.

શ્વાસથી ક્યારેક છુટકારો મળે,-હિમલ પંડ્યા

શ્વાસથી ક્યારેક છુટકારો મળે,
આ પીડાનો કોઈ તો આરો મળે;
પ્રેમના અમૃતની હો આશ ને-
એ જ દરિયો આંસુનો ખારો મળે;
આજ હૈયું ઠાલવી દઈએ અમે,
આદમી એકાદ જો સારો મળે!
સ્નેહના પાણી ઊલેચી જોઈ લો!
શક્ય છે કે સ્વાર્થનો ગારો મળે;
દિલ મહીં જેની છુપાવી છે છબી,
આંખમાં એનો જ વરતારો મળે;
હા, ખુશીથી જિંદગી જીવી શકું!
સાથ જો મુજને સતત તારો મળે.

હકીકતમાં જીવન સબડયા કરે છે,-હિમલ પંડ્યા

હકીકતમાં જીવન સબડયા કરે છે,
અને તો ય શમણાઓ ઘડ્યા કરે છે;
ન મળતું કશું યે અહી માંગવાથી,
નથી શોધતા એ જ જડ્યા કરે છે;
નથી કાઈ મારું-તમારું છતાં યે,
ઇચ્છા તણું કૈક નડ્યા કરે છે;
બધા અશ્વ હાંફી ગયા લાગણીના,
છતાં પ્રેમ-ગાડું ગબડ્યા કરે છે!
હશે ભીતરે નક્કી ગામનો ખજાનો,
જુઓ, આંખથી મોતી દડ્યા કરે છે;
કહ્યો કોઈએ જ્યારથી સારો શાયર;
ગઝલ પર ગઝલ એ ઢસડયા કરે છે.

દિલ હવે દર્દને વરેલું છે

દિલ હવે દર્દને વરેલું છે,
શું કરું? કોઈ સાંભરેલું છે;
જર્જરિત છે મકાન આખું યે,
યાદનું પોપડું ખરેલું છે;
એક ઉમ્મીદનું તણખલું પણ,
હાથથી આખરે સરેલું છે;
કોણ પામી શક્યું છે ઈશ્વરને?
એનું હોવું ય છળ ભરેલું છે;
એમનો પ્રેમ પામવા હૈયું,
કેટલીવાર કરગરેલું છે;
મોત શું લઇ જશે? અમે જીવન-
એમના નામ પર કરેલું છે.
-હિમલ પંડ્યા

તું છોડ હકીકત બધી, શમણાની વાત કર

તું છોડ હકીકત બધી, શમણાની વાત કર,
પૂર્વાનુમાન, કલ્પના, ભ્રમણાની વાત કર;
વીતી ગઈ જે રાત એ વીતી ગઈ હવે,
અત્યારની ને આજની, હમણાની વાત કર;
તારી તરસ ને ઝંખના સમજી જશે બધા,
મૃગજળને દેખી દોડતા હરણાની વાત કર;
ખંજર બન્યા એ પીઠનું એમાં નવાઈ શી?
ચ્હેરા હતાં જ કેટલાં નમણાં! – ની વાત કર;
ડૂબી ગયાની દોસ્ત, એ ચર્ચામહીં ન પડ!
ઓથે રહ્યો’તો જેની એ તરણાની વાત કર.
-હિમલ પંડ્યા

દરદ ઘેરું થયું છે, આજ થોડું રોઈ લેવા દો

દરદ ઘેરું થયું છે, આજ થોડું રોઈ લેવા દો,
હૃદય ભારે ઘણું છે, આજ થોડું રોઈ લેવા દો ;
નજરમાં કે વિચારોમાં, સમજમાં કે સવાલોમાં,
બધે ખાલીપણું છે, આજ થોડું રોઈ લેવા દો;
અમસ્તી લાગણીના કેફમાં સઘળું ગુમાવ્યું છે,
હવે સંભાળવું છે, આજ થોડું રોઈ લેવા દો;
નથી જાતે કદી દોરી શકાતી હસ્તરેખાઓ,
મુકદ્દરનું મળ્યું છે, આજ થોડું રોઈ લેવા દો;
ધરી બે ફૂલ, જોડી હાથ, એને અંજલિ આપો!
વફાનું બેસણું છે, આજ થોડું રોઈ લેવા દો.
-હિમલ પંડ્યા

હાથમાંથી લગામ છોડી છે

હાથમાંથી લગામ છોડી છે,
ઝંખના વાયુવેગે દોડી છે;
રોજ મારામાં કૈક ખોડાતું!
આ ક્ષણો જાણે કે હથોડી છે;
છેક મઝધારે જાણ થઇ એની,
તળિયેથી તૂટેલ હોડી છે;
જે સતત આપતા’તા સધિયારો,
એમની પણ દશા કફોડી છે!
અર્થ મારા કથનનો આ ન્હોતો,
વાતને એમણે મરોડી છે;
જિંદગીભરનો એ સહારો છે;
આ ગઝલ મારી કાંખ-ઘોડી છે.
-હિમલ પંડ્યા

કણેકણમાં પ્રસરતી ચેતનાની વાત કરવી છે

કણેકણમાં પ્રસરતી ચેતનાની વાત કરવી છે,
નસેનસમાં વિહરતી વેદનાની વાત કરવી છે;
પળેપળ રાહમાં તારી અમે આંખો બિછાવી છે,
તને મળવા તરસતી ઝંખનાની વાત કરવી છે;
મળી છે ઠોકરો સઘળી દિશાએથી સદા મુજને,
કોઈ જો સાંભળે, અવહેલનાની વાત કરવી છે;
જમાનાના રિવાજો, બંધનો, મજબૂરીઓ વચ્ચે,
હ્રદયની લાગણી, સંવેદનાની વાત કરવી છે;
પડ્યાં છે કેટલા શમણાં હજુ યે આંખની અંદર,
હકીકત છોડ, આજે કલ્પનાની વાત કરવી છે;
ઘણું યે પામવાનું જીંદગીમાં ‘પાર્થ’ બાકી છે,
અધુરી છે બધી એ ખેવનાની વાત કરવી છે.
-હિમલ પંડ્યા

શોધવાથી ના જડે એ ચીજ છું

શોધવાથી ના જડે એ ચીજ છું,
માંગવાથી ના મળે એ ચીજ છું;
કો’ક દિ, ક્યારેક કોઈ હાથમાં,
સાવ ઓચિંતી પડે એ ચીજ છું;
લાગણી ને પ્રેમનો સેતુ થઇ,
જે બધાને સાંકળે એ ચીજ છું,
દામ મારા માત્ર મીઠા વેણ છે,
હું બધાને પરવડે એ ચીજ છું;
દૂર મુજને રાખવા છો ને મથો!
હું ફરી આવી ચડે એ ચીજ છું;
‘પાર્થ’ જે જીતી શકે આ જગતને,
શબ્દના શસ્ત્રો વડે એ ચીજ છું.
– હિમલ પંડ્યા

હવે આ વ્યથાઓ ટળે તો ય શું

હવે આ વ્યથાઓ ટળે તો ય શું?
ખુશી બે ઘડીની મળે તો ય શું?
ગયું નૂર આંખોનું સાવ જ પછી,
હજારો દીવા ઝળહળે તો ય શું?
અમારી જ શ્રદ્ધા ગઈ થાકી-હારી,
દુઆઓ તમારી ફળે તો ય શું?
જુઓ, દેહ પત્થર સમો થઇ ઊભો છે!
કશું ભીતરે સળવળે તો ય શું?
અમારે જે કહેવું હતું – કહી દીધું છે,
ન એ વાતને સાંભળે તો ય શું?
ચલો અંત પામી સફર આ ગઝલની;
નવા કાફિયાઓ ભળે તો ય શું?
-હિમલ પંડ્યા

તું જાણે છે બધા દુઃખની દવા છે આ કવિતામાં,

તું જાણે છે બધા દુઃખની દવા છે આ કવિતામાં,
વીતેલા હર જમાનાની હવા છે આ કવિતામાં;
ખુશી-ઉન્માદ, આંસુ-દર્દ, વાતો પ્રેમ-વિરહની,
પ્રવાહો લાગણીના અવનવાં છે આ કવિતામાં;
પ્રતિકો-કલ્પનો, સંવેદનાઓ, સ્વપ્નની સાથે,
વિચારો પણ કવિના આગવાં છે આ કવિતામાં;
એ કરશે ન્યાય ને દેશે ચૂકાદો સ્પષ્ટ ને સાચો,
ધરમકાંટા સમા સો ત્રાજવા છે આ કવિતામાં;
અગર રાખી શકે તો રાખ શ્રધ્ધા શબ્દની ઉપર;
નર્યા કંકુ ને ચોખા, શ્રી સવા છે આ કવિતામાં.
-હિમલ પંડ્યા

ચહેરો બેનકાબ લઈ આવો,

ચહેરો બેનકાબ લઈ આવો,
કે છલકતું શબાબ લઈ આવો;
આખું આકાશ છે હથેળીમાં,
રુપનો આફતાબ લઈ આવો;
જીન્દગીની કથા લખી લઈએ,
એક કોરી કિતાબ લઈ આવો;
જોઈએ, ખોટ કોણે ખાધી છે?
લાગણીનો હિસાબ લઈ આવો;
માણવો છે ફરી નશો એવો,
એ જ જૂનો શરાબ લઈ આવો;
વાત મેં તો પૂરી કરી લીધી,
એમનો પણ જવાબ લઈ આવો;
જે હતો “પાર્થ”ની ગઝલમાંહે;
એ ફરીથી રુઆબ લઈ આવો
-હિમલ પંડ્યા

અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી

અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી,
વખત આવ્યે સુણાવી દઈશ હું સઘળી વ્યથા મારી;
ઊભો છું હું અડીખમ કેટલાં જખ્મોના પાયા પર,
તમે ક્યાં જોઈ છે મિત્રો હજુ એ દુર્દશા મારી?
ગણો ના પ્રેમની ક્ષણને દવા પ્રત્યેક રોગોની,
અરે, એના થકી તો છે હજુ માઠી દશા મારી;
ફૂલોના ડંખથી તો જિન્દગીભર હું ઘવાયો છું,
ચમન, તું રાખજે એકાદ કંટકમાં જગા મારી;
કરો એવું તમે કે આ ગઝલ એના સુધી પહોંચે,
પીડા એની દીધેલી છે, બીજું શું છે કલા મારી?
ઊઠાવું છું કલમને હાથમાં તો શબ્દ ફૂટે છે;
હ્રદય જાણી ગયું છે, રોજની છે આ પ્રથા મારી.
હિમલ પંડ્યા

તળિયું તૂટેલ નાવ લઈ જઈ-જઈને ક્યાં જશો

તળિયું તૂટેલ નાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?
આ આંખમાં અભાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?
મનમાં ઉદાસી સાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?
ને ખિન્ન હાવભાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?
સદીઓથી પીડતા, સતત દુઝ્યા કર્યા છે જે,
રુઝ્યા વગરના ઘાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?
ત્યાં પણ કોઈની લાગણી છંછેડશો તમે,
તરડાયેલો સ્વભાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?
જુઓ, રમત-રમતમાં એ વેંચાઈ પણ ગયાં,
આવો શકુનિદાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?
-હિમલ પંડ્યા

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર;
હોય હરણને મ્રુગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ આટલું અંતર;
જેવો હું , એવો તું યે નક્કી હોવાનો,
ભેદ ભલે હો બ્હાર, બધું સરખું છે ભીતર;
આ અંધારા-અજવાળાની સતત ઊતરચડ,
કોણ યુગોથી ખેલે આવાં જાદૂ – મંતર?
જુઓ, કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું,
ચાલો અહિંય અટકી જઈએ, નાખો લંગર.
– હિમલ પંડ્યા

સહેજ અલ્લડ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છું

સહેજ અલ્લડ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છું,
એ છતાં યે સાંભળી લે – હું જ તારો પ્યાર છું ;
રોજ હું આવીશ તારા ઊંબરા સુધી સનમ,
હું જ સૂરજનું કિરણ, હું રાતનો અંધાર છું;
દોસ્ત જે અંગત હતાં એ હાલ સૌ પૂછી ગયાં,
હું પડ્યો જો પ્રેમમાં, સહુને થયું બીમાર છું;
વ્હેમ આ મારા જ મનનો હોય તો યે છો રહ્યો,
માંગનું સિંદૂર હું, તારા ગળાનો હાર છું;
જિન્દગી તારી ભલે ને વારતા જેવી હશે,
આખરે તો હું જ એ આખી કથાનો સાર છું
– હિમલ પંડ્યા

મુસીબતને લગાવીને ગળે, પ્યારી નથી કરવી

મુસીબતને લગાવીને ગળે, પ્યારી નથી કરવી,
જખમને ખોતરીને ચોટ ગોઝારી નથી કરવી;
અમારે હો ભલે નાતો પુરાણો વેદના સાથે,
નવી કોઈ પીડા સંગે હવે યારી નથી કરવી;
ભલે ડૂબી જતી જીવનમહીં ઈચ્છાતણી નૌકા,
અહમ્ ને પોષવા કાજે ય લાચારી નથી કરવી;
કશું ક્યાં સાંભળે છે તું, કશું પણ ક્યાં કરે છે તું?
ખુદા, તારી હવે સહેજે તરફદારી નથી કરવી;
હ્રદય તું ચેતવી દેજે મને થંભી જતા પહેલાં,
મરણની વાત પણ જાહેર અણધારી નથી કરવી;
જરા તું એમના વિશે ખબર લઈ રાખજે પહેલાં,
અરે ઓ દિલ, અમારે પ્રીત પરબારી નથી કરવી;
ભલે ને “પાર્થ”, સહુ નાદાનમાં તુજને ખપાવી દે,
ન એ સમજે તો રહેવા દે, મગજમારી નથી કરવી
– હિમલ પંડ્યા

અટકશે ક્યાં જઈને આ જમાનો, કો’ક તો બોલો

અટકશે ક્યાં જઈને આ જમાનો, કો’ક તો બોલો,
વખત આથી ય શું ભારે થવાનો, કો’ક તો બોલો;
જનમ આ માનવીકેરો મળ્યો વરદાનરુપે, કે –
ખુદાએ લાગ ગોત્યો છે સજાનો? કો’ક તો બોલો;
હ્રદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો? કો’ક તો બોલો;
બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું?
અનુભવ છે અહિં કોને નશાનો, કો’ક તો બોલો;
હજારો વેદનાઓ મેં છુપાવી છે હ્રદયમાંહે,
મળે ક્યો આદમી આવા ગજાનો, કો’ક તો બોલો;
અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે,
મળ્યો છે માંડ આ મોકો મજાનો, કો’ક તો બોલો;
અમે તો “પાર્થ” હૈયું ઠાલવી બેઠાં ગઝલરુપે,
ન રાખો આજ કોઈ ભેદ છાનો, કો’ક તો બોલો.
– હિમલ પંડ્યા

જીન્દગીથી જીન્દગીની વાત કરતો જાઉં છું

જીન્દગીથી જીન્દગીની વાત કરતો જાઉં છું,
વેરને હું લાગણીથી મ્હાત કરતો જાઉં છું;
સાવ નર્યો દંભ છે જ્યાં સ્વાર્થ, અત્યાચાર છે,
ત્યાં બધે હું શબ્દથી આઘાત કરતો જાઉં છું;
મૌન મારું એકચિત્તે સાંભળે આખી સભા,
દર્દની આંસુથકી રજૂઆત કરતો જાઉં છું;
જે ઊદાસીનું અંધારું ભરબપોરે દઇ ગયાં,
એમના નામે ખુશીની રાત કરતો જાઉં છું;
હું નથી પૂરી કરી શક્તો પ્રણયની વારતા,
અંત જો આવે, ફરી શરુઆત કરતો જાઉં છું;
“પાર્થ” પરવડતી નથી કોઇની ગુલામી એ છતાં,
એક બસ એના હવાલે જાત કરતો જાઉં છું.
હિમલ પંડ્યા

જીવન વિશે પૂછે તો કહું ઝેર છે પ્રભુ

જીવન વિશે પૂછે તો કહું ઝેર છે પ્રભુ,
દરબારમાં તારા હવે અંધેર છે પ્રભુ;
સાચું કહે છે એમની ક્યાં ખેર છે પ્રભુ?
ડામીસને ઘેર જો ને લીલાલ્હેર્ છે પ્રભુ;
દુશ્મનને પ્રેમ આપવાની વાત તેં કરી,
અહિંયાં તો સગા ભાઈઓમાં વેર છે પ્રભુ;
હ્રદય સિવાય જોઈ લો ધબકે છે બધું અહિં,
માણસ વિનાનું જાણે કોઈ શ્હેર છે પ્રભુ;
આવ્યો’તો તારા દર્શને પગભર થવાને
કાજ,શોધું છું ક્યાં પગરખાંની પેર છે પ્રભુ?
-હિમલ પંડ્યા

આંગળી આપો તો પોંચો ઝાલશે

આંગળી આપો તો પોંચો ઝાલશે,
મારશો ડફણાં તો સીધી હાલશે;
ઓળખી લીધી છે દુનિયાને અમે,
ઝખ્મ દેશે ને પછી પંપાળશે;
જોઇને અહી એકની માઠી દશા,
જો, બીજાઓ ફૂલશે ને ફાલશે;
બેવફાઈ હોય જો અંજામ તો,
કોણ દિલમાં પ્રેમની ઘો ઘાલશે?
કોઈ મારગ ચીન્ધનારું ક્યાં રહ્યું?
બસ, હવે જઈશું કદમ જ્યાં ચાલશે;
સૌ ફરે છે એકલા આ શહેરમાં,
ક્યાં સુધી કોઈ હાથ તારો ઝાલશે?
‘પાર્થ’ જે સાથે રહયાં’તા બે ઘડી;
ખોટ એની જિંદગીભર સાલશે.
-હિમલ પંડ્યા

ભીતરે અંકાય એવું લખ હવે

ભીતરે અંકાય એવું લખ હવે,
લાગણી વંચાય એવું લખ હવે;
શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે,
પાંપણો ભીંજાય એવું લખ હવે;
નફરતોની આ નદી પર પ્રેમના-
સેતુઓ સર્જાય એવું લખ હવે;
કોઈ એને સાંભળી ઝૂમી ઊઠે,
કોઈ એને ગાય, એવું લખ હવે;
નામ તારું આપમેળે થઇ જશે,
પાંચમાં પૂછાય એવું લખ હવે;
હો નવી પેઢીનો તું શાયર ભલે;
વારસો સચવાય એવું લખ હવે;
-હિમલ પંડ્યા

તને ખોટું જો લાગે તો હું શું કરું

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.
હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.
રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.
હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.
-હિતેન આનંદપરા

બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા,

બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રવાતને જીરવી નથી શકતા.
અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.
તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો
ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.
સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે,
જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.
ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે,
ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.
તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?
હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.
નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક,
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.
– હિતેન આનંદપરા

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્ર્વાસ રહેવા દે.
પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્ર્વાસ રહેવા દે.
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.
મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.
તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું.તુ મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.
સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.
સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની ર્દષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.
ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.
વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી.
જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.
– હિતેન આનંદપરા

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.
અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.
ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.
કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે !
વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.
– હિતેન આનંદપરા

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.
ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.
શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.
હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.
હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.
હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.
– હિતેન આનંદપરા

તને ખોટું જો લાગે તો હું શું કરું?

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.
હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.
રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.
હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.
– હિતેન આનંદપરા

ઝાડ તને મારા સોગંદ

ઝાડ તને મારા સોગંદ
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ?
તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ?
સાવ-માણસ-જેવો આ સંબંધ !
આકરા ઉનાળે ખૂબ શોષ પડે ત્યારે સૂરજ પર ગુસ્સો આવે ?
વહેતી હવાને ખભે માથું મૂકીને હૈયું ઠાલવવાનું ફાવે ?
તારાં આંસુનું કેટલું વજન ?
ઝાડ, તને છાંયે બેઠેલો એક માણસ ગમે કે છાંયે બેઠેલી એક ગાય ?
સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડાંમાં ડૂમો ભરાય ?
છોડ્યું ના છૂટે વળગણ.
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
ઝાડ તને મારા સોગંદ !
– હિતેન આનંદપરા

હૈયામાં એક મોર પાળ્યો છે મેં

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !
મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં ?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર ?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી ?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયાર ?
હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?
-હિતેન આનંદપરા

#જોક્સ #

  • ભૂરો :- ભાભી જુઓ પેલી છોકરી ક્યારની ભાઈ સામે તાકી રહી છે
    ભાભી :- હા હું પણ જોઉં છું કે તમારા ભાઈ ક્યાં સુધી એમની ફાંદ અંદર ખેંચીને રાખે છે
  • પતિ :- આજે ઊંઘ નથી આવતી
    પત્ની :- તો વાસણ ઘસી નાખો…
    પતિ :- હું તો ઊંઘમાં બોલું છું…
  • પત્ની (પતિને) – સાંભળો છો, તમારો મિત્ર જે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તે છોકરી સારી નથી, તમે તમારા મિત્રને રોકતા કેમ નથી.
    પતિ – તેણે મને રોક્યો હતો ?
  • પતિ -હવે તમે ઝગડો બંધ કરો…હું શાંતિ સાથે રહેવા માંગુ છુ.
    પત્ની-તમે રહો શાંતિ સાથે…. હું રમણ સાથે રહેવા માંગુ છુ.
  • પત્ની – જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.
    પતિ – બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.
    પત્ની – (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?
    પતિ – ના, કાલથી છાપુ બંધ.
  • પતિ : ‘તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.’
    પત્ની : ‘તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?’
    પતિ : ‘હા, પણ નકલી મોટરકાર મળી નહીં.’
  • પતિ- (પત્નીને) મેં રાત્રે સપનુ જોયુ.
    પત્ની – શુ જોયુ.
    પતિ – કે તુ પ્રેમ કરી રહી છે.
    પત્ની – કોને ?
    પતિ – એ જ તો હુ ઓળખી ન શક્યો, રાત્રે હું ચશ્મા વગર જ સૂઈ ગયો હતો.
  • પત્ની: તમને ખબર છે સ્વર્ગ માં પતિ અને પત્ની ને સાથે નથી રહેવા દેતા..
    પતિ : એટલે જ તો એને સ્વર્ગ કહેવાય…
  • પત્નીએ પતિને કહ્યુ – યાદ રાખજો, જો આજ તમે દારૂપીને ઘરે આવશો તો હું આપધાત કરી લઈશ.
    પતિ – પ્રિયે, તુ રોજ સવારે આ જ વાત કહે છે પરંતુ ન તો તુ વચન પૂરૂ કરે છે કે ન હું દારૂ પીવાનુ છોડુ છુ.
  • પતિ પત્ની વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઈ.
    પતિ – જો હુ આટલી મહેનતથી પૈસા લાવતો ન હોત તો આ ઘર ન હોત.
    પત્ને – જો તમે પૈસા ન લાવતા તો હુ પણ આ ઘરમાં ન હોત

હાલરડું

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !
મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !
તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !
મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું હાર,
પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે…..
હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..
ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..
ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે
-લોકગીત

# હાઇકુ #

છે ઘોડાપૂર

યાદોનું, છલકાશે

બંધ, આંસુનો


ઉજાસ ઓઢી

અંધારે ઓગળવું

તે છે મરણ


આસપાસ જે

દિસે, તે આભાસ કે

પછી આકાર?


આંખોમાં વાવ્યાં

સપના, અને ઉગ્યા

ઉજાગરાઓ


તસવીરમાં

કેદ કરવા, બાંધી

લઇ ગ્યા મને


તરસ્યા સ્વપ્નો

પી ગયા છે સઘળું

પાણી આંખોનું


અરે સમય !

ત્રણ ત્રણ કાંટાઓ

એના નસીબે

-કલ્પેન્દુ વૈષ્ણવ

એક સપનું આવશે ને એય છાનું આવશે

એક સપનું આવશે ને એય છાનું આવશે
જેમાં કારણ ચાહવા માટે સજાનું આવશે.
ઝાંઝવાં ફંફોસવા પાંપણ ઉઘાડી શોધતાં,
આંખમાં આંસુનું છૂપું ચોરખાનું આવશે.
પૂર્વજન્મની કથાના તાંતણાં સાંધો હજુ,
ત્યાં અધૂરું જિંદગીનું કોઇ પાનું આવશે.
નામ તો મારું લખેલું બારણા ઉપર હશે,
ઘર ખરું જોવા જશો તો ત્યાં વ્યથાનું આવશે.
ઝંખના-બસસ્ટોપ પર,છેડે પ્રતીક્ષા-માર્ગના,
ત્યાં જઇને પમ તને શોધ્યા જવાનું આવશે.
આપણે ભીંજાઇ જાવાનું વિચાર્યું ત્યાં ફરી,
ઝાપટું વરસી ગયાનું એક બ્હાનું આવશે….
-હર્ષદેવ માધવ

તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે !

તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે !
લે મોકલું, મઘમઘ તને સપનાં નવાં પ્રિયે.
પ્હેલા તો આંખો બંધ કર, … ઉઘાડ લે હવે;
ઝગમગ થતી દેખાય છે ખુલ્લી હવા પ્રિયે ?
એકાદ અમથું ફૂલ તું ધારી લે મન મહીં,
બાકી બધું થનગન થવાનું મ્હેકવા પ્રિયે !
ઊભાં છે ઊંચા હાથ લૈ ને પામવા તને–
આ ઝાડવાંને ક્યાં જઈ સંતાડવા પ્રિયે ?
આ ચાંદનીનાં વસ્ત્ર છે તે શોભશે તને,
કેવી રીતે તારા લગી પ્હોંચાડવાં પ્રિયે ?
કે તું જ આવી જા પવનની પાલખી લઈ,
દેખાડશે રસ્તો અહીંના ઝાંઝવાં પ્રિયે !
-હર્ષદ ત્રિવેદી

તું પણ કમાલ કર હવે તારા અવાજની,

તું પણ કમાલ કર હવે તારા અવાજની,
હું સાંભળું છું તર્જ કો’ અણદીઠ સાજની.
હું ક્યારનો સૂંઘું છું હવામાં વધામણી,
રળિયામણી ઘડી મને લાગે છે આજની.
તું હોય પણ નહિ ને તોય વાજતી રહે,
પળ પળ રહી છે કામના એવી પખાજની.
મારો સ્વભાવ છે કે મને કંઈ અડે નહિ,
તનેય પણ પડી નથી રસ્મો-રિવાજની !
ત્યાં દૂર કોઈ પૂરવી છેડે છે ક્યારનું,
અહીંયાં ગઝલ રચાય છે તારા મિજાજની.
-હર્ષદ ત્રિવેદી

આ સમય પાસેથી હું ઝૂંટુ તને,

આ સમય પાસેથી હું ઝૂંટુ તને,
આવ તો લખલૂટ હું લૂટુ તને,
તું સરોવર મધ્યમાં ઉભી રહે,
ને કમળની જેમ હું ચૂંટુ તને.
હો તરસ એવી કે રોમરોમથી,
તું પીએ ને તો ય હું ખૂટું તને
એક પળ માટે થઇ જા વૃક્ષ તું,
ડાળખીની જેમ હું ફૂટુ તને.
નામ તારું નામ તારું નામ
એકડા ની જેમ હું ઘૂંટુ તને.
– હર્ષદ ત્રિવેદી

સ્થિર રહું એવી મને ગતિ આપજે

સ્થિર રહું એવી મને ગતિ આપજે
અનુસરે દિલને જે, પ્રભુ ! મતિ આપજે
હર સ્થળે હો તારું દર્શન ને સ્મરણ-
માત્ર તારામાં મને રતિ આપજે
દે પ્રતીતિ એટલી, ‘સાથે તું છે’
આધિ-વ્યાધિમાં મને યતિ આપજે
સ્નેહ, સમતા, ધૈર્ય, આસ્થા, સ્વસ્થતા
આટલું તું, ઓ ઉમાપતિ ! આપજે
ધ્યાનથી કરું ને કરાવું પ્રાર્થના-
એટલું બળ, તું તારા વતી આપજે
ના ગમે – હું આદરું તારી સ્પર્ધા
ના બનું સંપૂર્ણ, કૈં ક્ષતિ આપજે
-હર્ષદ ચંદારાણા

ઘરમાં ઘૂસી આવે તે વરસાદ જુદો છે

ઘરમાં ઘૂસી આવે તે વરસાદ જુદો છે
અબોલાં ય તોડાવે તે વરસાદ જુદો છે
ચોખ્ખાં કરતો ઘસી-ઘસી પહાડોનાં અંગો
માતા જેમ નવડાવે તે વરસાદ જુદો છે
સરોવરને ક્યાં ખોટ ? પણ દાતાઓના દાતા
છલકતા છલકાવે તે વરસાદ જુદો છે
ભાન ભૂલી ભીંજાવું એ તે કઈ બલા છે ?
એનો અરથ સમજાવે તે વરસાદ જુદો છે
પાળા, પથ્થર, ભીત્યું, રસ્તા ને ફૂટપાથો
મૂઆને ફણગાવે તે વરસાદ જુદો છે !
– હર્ષદ ચંદારાણા

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે!
કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે…
રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે…!
રેત ને પગલાંનું ચાલે સંવનન:
એટલે મંઝિલ હવે અટવાય છે !
આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે!
શૂન્યતાની આગમાં પીગળી જશે,
લાગણીઓ જે મહીં રૂંધાય છે:
મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખે આખું અંગ લીલું થાય છે…!
– હર્ષ બ્રહ્મભટ્ટ

હાથની તું લકીર બદલી જો,

હાથની તું લકીર બદલી જો,
મનની પેઠે શરીર બદલી જો.
છે બધા મોહતાજ પૈસાના,
કોઈ અસલી ફકીર બદલી જો.
લાગશે સર્વ ગયું બદલાઈ,
માત્ર દષ્ટિ લગીર બદલી જો.
તુંય સ્પર્શે તો થૈ જશે કંચન,
છોડ આળસ, કથીર બદલી જો.
હોય હિંમત, બદલ દિશા તારી,
કાં પછી આ સમીર બદલી જો.
કૈં જ વ્હેલું કે કૈં નથી મોડું,
છે ફક્ત મન અધીર, બદલી જો.
ના રહે માગવાપણું સ્હેજે,
ઓ હૃદય ! દાનવીર બદલી જો.
– હર્ષ બ્રહ્મભટ્ટ

અજાણ્યાં શરીરો, સ્વજન અજનબી,

અજાણ્યાં શરીરો, સ્વજન અજનબી,
હવે થઈ ગયું આ વતન અજનબી.
લડ્યો છેક સુધી હું જેને લીધે,
અરે ! નીકળ્યું એ જ મન અજનબી.
પરિચય કદી થઈ શક્યો છે જ ક્યાં ?
જનમથી રહ્યું છે જીવન અજનબી.
ફરી ક્યાંક બીજે હવે જન્મશું,
અડું છું તો લાગે છે તન અજનબી.
બધું એકસરખું બીબાંઢાળ છે,
પ્રથમથી જ વાતો પવન અજનબી !
– હર્ષ બ્રહ્મભટ્ટ

મારી કને તો માત્ર આ મારું શરીર છે,

મારી કને તો માત્ર આ મારું શરીર છે,
મારા બધાયે શ્વાસ તો જાણે ફકીર છે.
ખાલી આ મારી ભારની હાલતને ન જુઓ
મારી ભીતરનો આદમી કેવો અમીર છે.
છે કોણ જે બેસી રહ્યો છે રોકી શ્વાસને
ખળખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે.
એમાં જુઓ વણતો રહુ છું રંગ સૃષ્ટિના
મારી ગઝલના પોતમાં મારો કબીર છે.
કેવી મજાથી ઝબકી રહી વીજ આભમાં
પોતે ખુદાના હાથની જાણે લકીર છે.
– હર્ષ બ્રહ્મભટ્ટ

ન અણસાર કોઈ ન કોઈ ઝલક છે,

ન અણસાર કોઈ ન કોઈ ઝલક છે,
અને બચવાની પણ ન એકેય તક છે !
થયું ધ્વસ્ત ક્ષણમાં મનોવિશ્વ આખું,
વધુ આત્મવિશ્વાસનો આ સબક છે !
જૂનો પત્ર આવ્યો ફરી વાંચવામાં,
ફરી આજ થોડીક ભીની પલક છે.
ગઝલ એટલે શું હું કહેતો થયો પણ-
જવાદો એ વાતોય પીડાજનક છે.
હવે દોસ્ત, ગઈકાલનો જિક્ર ના કર,
ગઈકાલને આજમાં બહુ ફરક છે.
એ શોધે છે મારો પતો એમ પૂછી,
‘હરીશ’ નામ છે એનું ‘ધોબી’ અટક છે !
– હરીશ ધોબી

અળગા થવાની વાત, મહોબત થવાની વાત

અળગા થવાની વાત, મહોબત થવાની વાત
બંને ને છેવટે તો નજાકત થવાની વાત.
પલળીશ એ ભયેથી હું શોધું છું છાપરું
વરસે છે આસમાંથી ઇનાયત થવાની વાત
ઝાહિદ, કસોટી છે આ, ગમે તે પસંદ કર
સિઝદો છે એક, એક ઇબાદત થવાની વાત
પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું
આઘે રહીને માંડું છું અંગત થવાની વાત
સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું
માણસને આવડી ન હકીકત થવાની વાત.
-હરીન્દ્ર દવે

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.
એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.
નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.
વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.
એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.
એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.
પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.
– હરીન્દ્ર દવે

મ્હેકમાં મ્હેક’ મળી જાય તો મૃત્યુ ન કહો,

મ્હેકમાં મ્હેક’ મળી જાય તો મૃત્યુ ન કહો,
તેજમાંતેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.
દીર્ઘયાત્રાની જરૂરતથી સજ્જ થઇ જઇને,
એક મંજિલની લગન આંખે ઊતરવા દઇને,
ભાનને ક્ષણને કાળજીથી સમેટી લઇને,
‘આવજો’ કહીને કોઇ જાય તો મૃત્યુ ન કહો.
જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વને કળવા,
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા,
દ્રષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઇ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા, આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં, ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા;
એના હોઠ બે બિડાયા હજી તોરે, કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું, કાનકુંવર શું ઓછા હતા કાળા?
બંધ છોડે જશોદાને કહો રે, કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
– હરીન્દ્ર દવે

હમણાં હજી મળ્યા અને હૈયા સુધી ગયાં,

હમણાં હજી મળ્યા અને હૈયા સુધી ગયાં,
તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં!
શબ્દોથી જે શરૂ થયું, શાંતિ મહીં વધ્યું,
સંકેત આપણા જો જમાના સુધી ગયા.
જેણે વમળમાં ધીર ધરી’તી એ પ્રેમીઓ,
કહે છે કે છેવટે તો કિનારા સુધી ગયા.
આંખોનું તેજ, વાળની ખુશ્બૂ, અધરનો રંગ,
વાતો શરીરની કરી આત્મા સુધી ગયા.
સાવ જ અજાણ્યા એક વખત જે હતાં, હવે,
જ્યાં કોઈના ચરણ ન હતા, ત્યાં સુધી ગયાં…
– હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
– હરીન્દ્ર દવે.

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?
આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?
– હરીન્દ્ર દવે.

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.
ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.
છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જોજો કે સાકીનો રંગ છે.
બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે.
કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કોક એમાં ખુદાઈનો રંગ છે.
– હરીન્દ્ર દવે

હોઠ મલકે તો મોટી મહેરબાની

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!
સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.
રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!
– હરીન્દ્ર દવે

હું સરેરાશનો માણસ છું, નીકળી જઈશ,

હું સરેરાશનો માણસ છું, નીકળી જઈશ,
કોઈ ઓળખશે નહીં. સર્વને મળી જઈશ.
યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ.
છું હવા, ને એ હવાને વળી વિસ્તાર ક્યો ?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ.
મારી ધરતી તો શું આકાશમાંય આવી જુઓ,
હું તો પગલાંથી નહીં ગંધથી કળી જઈશ.
કાંકરી તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ.
– હરીન્દ્ર દવે

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
– હરીન્દ્ર દવે

તમારી આંખથી ખરતા સમયની વાત નથી

તમારી આંખથી ખરતા સમયની વાત નથી
નથી, આ સુર્યમાં તરતા સમયની વાત નથી
બધુંયે ઓગળી ચાલ્યું ને આવી એકલતા
ખુશીમાં ગુફતેગો કરતા સમયની વાત નથી
સમય મળ્યો છે તો ચાઓ સમય ભૂલી લઈએ
ભલા, આ કાચથી સરતા સમયની વાત નથી
થયો છું એટલો પાગલ કે સાનભાન નથી
છતાં આ વાત ઊછરતા સમયની વાત નથી
એ પાનપાનથી પહોંચ્યો છે ડાળ-ડાળ સુધી
સવાર સાંજમાં મરતા સમયની વાત નથી.
– હરીન્દ્ર દવે

પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરીએ

પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થઈ ચાલ્યા કરીએ.
એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થઈ ચાલ્યા કરીએ.
એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થઈ ચાલ્યા કરીએ.
પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થઈ ચાલ્યા કરીએ.
– હરિન્દ્ર દવે

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
– હરીન્દ્ર દવે

કોને ખબર તને હશે એ મારી દશા યાદ

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.
એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.
નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.
વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.
એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.
એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.
પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.
-હરીન્દ્ર દવે

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.
હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.
મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.
– હરીન્દ્ર દવે.

મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે

મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,
તમને થયું કે આપણી દુનિયાનો થાક છે ?
જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
મારા વદનના ભારથી વ્યાકુળ બનો નહીં,
હમણાં જ ઊતરી જશે રસ્તાનો થાક છે.
મારે જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
રહીને સુંવાળા સૌને દુભાવ્યાનો થાક છે.
નદીઓ તો સામટી મળી ધોયાં કરે ચરણ,
પણ ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.
-હરીન્દ્ર દવે

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.
દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.
જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો
-હરીન્દ્ર દવે

હોઠ હસે તો ફાગુન

હોઠ હસે તો ફાગુન
ગોરી! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન…
તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન…
અણું જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;
તવ શ્વાસોનો સ્પર્શ
હ્રદય પર મલયહાર મનભાવન…
કોઇને મન એ ભરમ, કોઇ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;
પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન…

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં.

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી ?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમા.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
– હરીન્દ્ર દવે

વરસાદની મોસમ – હરીન્દ્ર દવે

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.
મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઇએ.
આપણે કયાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણાં, ચાલને, ખસતાં જઇએ.
સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઇએ.
તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઇએ.

ઉખાણું – હરીન્દ્ર દવે

દૂધે ધોઇ ચાંદની
ચાંદનીએ ધોઇ રાત,
એવામાં જો મળે તો
વ્હાલમ, માંડુ રે એક વાત.
અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સહોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.
વાત સમજ તો વ્હાલમ,
ચાંદ-સૂરજની દઉં સોગાત.
વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.
ભેદ સમજ તો તને વસાવું,
કીકીમાં રળિયાત.
મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઇ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઇ;
દાખવ તો ઓ પિયુ !
તને દઉં હૈયાની ઠકરાત.
— હરીન્દ્ર દવે

રે મન, ચાલ મહોબ્બત કરીએ… – હરીન્દ્ર દવે

રે મન, ચાલ મહોબ્બત કરીએ
નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે
રહી રહીને દિલ દર્દ ઊઠે ને
દોસ્ત મળે તો દઇએ
કોઇની મોંઘી પીડ ફક્ત
એક સ્મિત દઇ લઇ લઇએ
પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ.
દુનિયાની તસવીર ઉઘાડી
આંખ થકી ઝડપી લે
છલક છલક આ પ્યાલો મનભર
પીવડાવી દે, પી લે
જીવનનું પયમાન ઠાલવી દઇ શૂન્યતા ભરીએ.
– હરીન્દ્ર દવે

એક જ દે ચિનગારી, મહાનલ !

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…
– હરિહર ભટ્ટ

અટકી જવાય સાંજમાં તો શું કરી શકો

અટકી જવાય સાંજમાં તો શું કરી શકો ?
બેસે ન સ્વપન આંખમાં તો શું કરી શકો ?
મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?
આકાશ તો યુગોથી પ્રતિક્ષા કરે છે
સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ?
લંબાય રાત અંધની આંખો સમી સતત
અટવાય સૂર્ય ઝાંખમાં તો શું કરી શકો ?
પીળાશ પી રહી છે સફેદીને પત્રની
શબ્દો જ હોય ટાંકમાં તો શું કરી શકો ?
– હરિશ્વંદ્ર જોશી

પ્રભુ !નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો !

પ્રભુ !નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો !
પ્રભુ, આનંદરૂપે આપ મારા ઘર વિશે વસજો,
બનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો,
સુખીને સાથ એમાં હો, દુઃખીને પણ દિલાસો હો,
પ્રભુ ! નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો ,..પ્રભુ …
થજો વેદોતણું ગર્જન અને ત્યાં પાઠ ગીતાનો,
વળી તારા બનેલા વિપ્રનું જયાં ભાવપૂજન હો,
રહે વાતાવરણ પાવન અને મંગલ દિશાઓ હો, …પ્રભુ…
પ્રભુનાં પુષ્પ સમ નાનાં મલકતાં બાળ એમાં હો,
દીસે નિષ્પાપતા ચહેરે અને શૈશવ ખીલેલું હો,
ખરે તારાં જ સંતાનો, વલણ પણ તુજ તરફનું હો, …પ્રભુ…
ગૃહિણી ઘર દિસે સાચી બધું સૂનું વિના એના,
બની પ્રિયવાદિની ભાર્યા , જીવન મુજ એ ભરી રહેજો,
નિહાળી એકબીજાને પરસ્પર સ્નેહવૃદ્ધિ હો, … પ્રભુ…
ધરે સીતાતણો આદર્શ એ, મમ રામ દ્રષ્ટિમાં,
પરસ્પરને સુખી કરવા, રહે એ ખ્યાલ સૃષ્ટિમાં,
મધુરતા નાચતી વદને રહો, વાયુ સુગંધી હો, … પ્રભુ…
ખરાં મિત્રો અને સંતો ઘરે મુજ આવતા રહેજો,
અને સચ્ચાઇની લક્ષ્મી સદા ભવને વદી રહેજો,
પરસ્ત્રી માત હું માનું, પરાયું દ્રવ્ય માટી હો, … પ્રભુ…
તને ગમતાં અને તારાં જ કામોમાં મતિ રહેજો,
વધે શક્તિ છતાં ભક્તિ અને પ્રીતિ ચરણ તવ હો,
રહું બહું દુષ્ટથી આઘો અને સંગત સુજનની હો, …પ્રભુ…
– હરિભાઈ કોઠારી

પ્રભુ !નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો !

પ્રભુ !નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો !
પ્રભુ, આનંદરૂપે આપ મારા ઘર વિશે વસજો,
બનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો,
સુખીને સાથ એમાં હો, દુઃખીને પણ દિલાસો હો,
પ્રભુ ! નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો ,..પ્રભુ …
થજો વેદોતણું ગર્જન અને ત્યાં પાઠ ગીતાનો,
વળી તારા બનેલા વિપ્રનું જયાં ભાવપૂજન હો,
રહે વાતાવરણ પાવન અને મંગલ દિશાઓ હો, …પ્રભુ…
પ્રભુનાં પુષ્પ સમ નાનાં મલકતાં બાળ એમાં હો,
દીસે નિષ્પાપતા ચહેરે અને શૈશવ ખીલેલું હો,
ખરે તારાં જ સંતાનો, વલણ પણ તુજ તરફનું હો, …પ્રભુ…
ગૃહિણી ઘર દિસે સાચી બધું સૂનું વિના એના,
બની પ્રિયવાદિની ભાર્યા , જીવન મુજ એ ભરી રહેજો,
નિહાળી એકબીજાને પરસ્પર સ્નેહવૃદ્ધિ હો, … પ્રભુ…
ધરે સીતાતણો આદર્શ એ, મમ રામ દ્રષ્ટિમાં,
પરસ્પરને સુખી કરવા, રહે એ ખ્યાલ સૃષ્ટિમાં,
મધુરતા નાચતી વદને રહો, વાયુ સુગંધી હો, … પ્રભુ…
ખરાં મિત્રો અને સંતો ઘરે મુજ આવતા રહેજો,
અને સચ્ચાઇની લક્ષ્મી સદા ભવને વદી રહેજો,
પરસ્ત્રી માત હું માનું, પરાયું દ્રવ્ય માટી હો, … પ્રભુ…
તને ગમતાં અને તારાં જ કામોમાં મતિ રહેજો,
વધે શક્તિ છતાં ભક્તિ અને પ્રીતિ ચરણ તવ હો,
રહું બહું દુષ્ટથી આઘો અને સંગત સુજનની હો, …પ્રભુ…
– હરિભાઈ કોઠારી

ગાડી આવે જાય બાંકડે બેઠો છું.

ગાડી આવે જાય બાંકડે બેઠો છું.
અંદર કંઇ કંઇ થાય, બાંકડે બેઠો છું.
આમ જુઓ તો એના એ વર્ષોના પાટા,
સીધી સીધા જાય બાંકડે બેઠો છું.
હમણાં આવ્યું કોણ ? અહીંથી કોણ ગયું આ ?
પળમાં તો ભુલાય, બાંકડે બેઠો છું
કોઇ કોઇ ચહેરાની રેખા માંડ ઉકેલું
નામ કેમ પુછાય ? બાંકડે બેઠો છું
તડકા છાયા આગળ પાછળ ફરતા રહેતા,
એ જ વાયરા વાય બાંકડે બેઠો છું.
સાંધા-સિગ્નલ-ઝંડી-ફાટક-સીડી-બત્તી
દુનિયા અજબ લહાય બાંકડે બેઠો છું.
ઘટ આવે કે નૂર ચડે, નુકશાની લાગે,
એવું તો ભૈ થાય બાંકડો બેઠો છું.
ખુદાબક્ષ છે કોઇ છે ઇજ્જત વાળા,
બાકી શું કહેવાય ? બાંકડે બેઠો છું.
ગણવેશોની શિસ્ત મૂળમાં ઝાવાં ભરતી,
ભોંય સરકતી જાય બાંકડે બેઠું છું.
ઝાંઝુ ના સમજાય. બાંકડે બેઠો છું.
ગાડી આવે જાય, બાંકડે બેઠો છું.
– હરિકૃષ્ણ પાઠક

મગરનાં આંસુ!!

” સારી રીત નથી નો પ્રતિભાવ મગરનાં આંસુ!!
જે દેશનો રોટલો ખાવો ,તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા,હવે રોદડાં રડવા ઠીક નથી.
લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
સરસ્વતી મંદીરોમા,જયાં વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બિભત્સ ન્રુ ત્યોને રોજ ટીવી પર જોયા પછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.
જયાં ઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,
ભારતિય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ-અને “ભાઇ”ઓ નો.
દેશ છોડી આવ્યા પછી હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માને તમે તરછોડીનેઆવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ,કોઇ રોકે નહી, મગરના આ આંસુ ઠીક નથી.
-હરનિશ જાની-યુ.એસ.એ.

વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં.

વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં.
લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં.
આયના હારી ગયાં છે, એકસો ને આઠ વાર,
સાદગીનું એટલું સત, કોઈને કે’તા નહીં.
આપની બસ યાદમાં, ટીપુંયે લોહી ક્યાં બચ્યું?
આજ શાહીથી લખ્યો ખત, કોઈને કે’તા નહીં.
શ્વાસથી નખશિખ નવડાવી, પ્રથમ ને એ પછી,
આંખથી એંઠી કરે, ધત્ત, કોઈને કે’તા નહીં.
આપની આંખે રહેવાનું, થયું છે આજકાલ,
જોઈ લીધી મેં ય જન્નત, કોઈને કે’તા નહીં.
– હરદ્વાર ગોસ્વામી

રાહ જોતા આંગણા છે, આવજે,

રાહ જોતા આંગણા છે, આવજે,
સાવ ખુલ્લા બારણા છે, આવજે.
શૂન્યતા, આંસુ, હૃદય ને શાયરી,
ધાર તો કારણ ઘણા છે, આવજે.
ઘેર મારે એ તને લઇ આવશે,
માર્ગ સઘળા આપણા છે, આવજે.
એમને ય હૂંફ તારી જોઇએ,
ધ્રૂજતા સૌ તાપણા છે, આવજે.
આંખ ઊભડ્ક, હોઠ હફ્ડક્, મૌન મન,
શ્વાસ પણ લ્યો, સો ગણા છે, આવજે.
– હરદ્વાર ગોસ્વામી

વારાફરતે વારામાંથી નીકળવું છે;

વારાફરતે વારામાંથી નીકળવું છે;
મારે આ જન્મારામાંથી નીકળવું છે;
જન્મોથી હું એની અંદર જકડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે;
તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,
મારે તારા-મારામાંથી નીકળવું છે;
કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?
સંસારી આ ધારામાંથી નીકળવું છે;
અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો,
ભીતરના અંધારામાંથી નીકળવું છે.
– હરજીવન દાફડા

તમારૂં મારા ભણી જોવું એ ગઝલ તો હતી,

તમારૂં મારા ભણી જોવું એ ગઝલ તો હતી,
દિવસનું રાત મહીં ખોવું એ ગઝલ તો હતી!
અનેક જન્મ સુધી આપણે મળ્યા જ નહી,
મિલનનું સ્વપન રૂપે હોવું એ ગઝલ તો હતી!
નજરની *બહાર બધાં *દશ્ય તો રહી જ ગયાં,
સયમનું આમ અરવ રોવું એ ગઝલ તો હતી!
વિચારવાનું પછી જે ઘડી સમાપ્ત થયું,
શબદનું મૌન જળે ધોવું એ ગઝલ તો હતી!
‘કિશન’ કહે તો હવે શું કહે તમારા કંઈ-
સ્મરણનું મારા મહીં હોવું એ ગઝલ તો હતી!
– હરીકિશન જોશી

બંધ દરવાજાની ભીતર કોણ છે ?

બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?
લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?
કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?
કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?
કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે અનુત્તર, કોણ છે ?
–હનીફ સાહિલ

જેનું સીમ માંહે ખેતર, નતો ગામ માંહે ઘર છે

જેનું સીમ માંહે ખેતર, નતો ગામ માંહે ઘર છે
છતાં નામ તાજવર છે, મને એટલી ખબર છે
ભલે ઊંટ જેમ રહ્યા, એના સર્વ અંગ વાંકા
મારી જોરુ પાસે જર છે, મને એટલી ખબર છે
મારી સાસુ ગુમ થઇ છે, નથી જાણ ક્યાં ગઇ છે,
મારે આંગણે ગટર છે, મને એટલી ખબર છે
જરા છીંફ ખાય પત્ની ત્યાં પિયરનો પંથ લે છે
એનો બાપ દાકતર છે, મને એટલી ખબર છે
સદા જીવવાની ‘મુન્શી’ હતી જેમની તમન્ના
અહીં એમની કબર છે, મને એટલી ખબર છે
-મુન્શી ધોરાજવી

ડોલર તારા દેશમાં-સ્વપ્ન

ડોલર તારા દેશમાં
હે પાઉન્ડ પોક મુકાવે ને રિયાલ તો રખડાવે
ડોલર તરો એ દિ ડુબાડે પણ મારો રૂપિયો ઋણ ચૂકવે
( રાગ -=–= નંદ કુંવર નાનો રે –=)
કારોએ તો કચડી નાખ્યા રે ….. ડોલર તારા દેશમાં
મેઈનતનસે મારી નાખ્યા રે …… ડોલર તારા દેશમાં
વોરન્તિએ વાઢી નાખ્યા રે …… ડોલર તારા દેશમાં
બની જાપાનમાં ને, આવી અમેરિકા
ટોયોતાએ તોડી નાખ્યા રે …….. ડોલર તારા દેશમાં
મેળવ્યા તા વિઝા ને ખાધા રે પીઝા
યા ! યા ! માં અટવાઈ ગયા રે …… ડોલર તારા દેશમાં
પીધી જ કોક ને મૂકી છે પોક રે
ડોલરમાં ડૂબી ગયા રે …… ડોલર તારા દેશમાં
જયારે પીવે બીયર તે જ પડે ગીયર
પાર્ટીમાં પછડાઈ ગયા રે …….. ડોલર તારા દેશમાં
કરે આજ હાયર ને કાલે પછી ફાયર
ઇન્સુરન્સે ઉધા પાડ્યા રે …… ડોલર તારા દેશમાં
ફરવા ગયા મોલ ને ઠેર ઠેર સેલ
ટેક્સમાં તો તણાઈ ગયા રે .. …. ડોલર તારા દેશમાં
આવે તો હાય ને જાયે તો બાય
માણસ ને હાય ગાય કહેવાય રે … ડોલર તારા દેશમાં
હે ગરવા ગુજરાતીઓ ગરિમા સંભાળજો
” સ્વપ્ન ” જગતમાં મલકે રે ….. ડોલર તારા દેશમાં
– સ્વપ્ન

રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,

રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,
કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.
શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,
હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.
ગણત્રીપૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,
કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.
સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,
દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.
આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.
– સ્નેહા-અક્ષિતારક

હું ને મારા વ્રણ અડોઅડ

હું ને મારા વ્રણ અડોઅડ,
આગ ને ઈંધણ અડોઅડના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,
સાથ કે જોડાણ ક્યાં છે ?
રાખનું વળગણ અડોઅડ
લૈ સમુદ્રો પ્હાડ વચમાં
બેસતાં બે જણ અડોઅડ
કોણ કોને કેમ ફળવું
તથ્ય ને તારણ અડોઅડ
હું મને મળવા ગઈ ત્યાં
કોકે લીધું પણ અડોઅડ
આપણા કૈં કેટલાં ‘પણ’
શક્યતાની ક્ષણ અડોઅડ
મૌનની કોમળ સમજ છે
વ્યર્થના ભાષણ અડોઅડ
– સોનલ પરીખ

ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,

ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,
રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ.
બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું,
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ.
ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે,
આવે છે હવે ‘સૈફ’ મને મારે કઝા યાદ.!!
– ‘સૈફ’ પાલનપુરી,

ખુશ્બુમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતાં,

ખુશ્બુમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો-શું આંસુનાં પણ નામ હતાં.
થોડીક શિકાયત કરવીતી થોડાક ખુલાસા કરવાતા,
ઓ મોત જરા રોકાઈ જતે- બેચાર મને પણ કામ હતા.
હું ચાંદની રાતે નીકળ્યોતો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કઈં મંઝીલ પણ મશહુર હતી-કઈં રસ્તા પણ બદનામ હતા.
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવીતી,
બહુ ઓછા પાનાં જોઈ શક્યો-બહુ અંગત અંગત નામ હતાં.
પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો?!
કેવો ચંચળ જીવ હતો ને કેવા રમતા રામ હતા!
”સૈફ” પાલનપુરી

પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,

પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.
હાર કે જીત જેવું કશું ના રહ્યું,
જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ.
નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
લાગણીઓ બધી એકમત થઇ ગઇ.
મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો,
એમની જો કદી ‘હા’ તરત થઇ ગઇ.
જિંદગીએ હસીને કહ્યું મોત ને,
આપણી વચ્ચે કેવી રમત થઇ ગઇ.
સ્વપ્ન નો’તું – છતાં જઇને ભેટી પડ્યા,
‘સૈફ’થી ભૂલ કેવી સખત થઇ ગઇ
-‘સૈફ’ પાલનપુરી

મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ,

મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ,
ત્યારે ખબર પડી કે છે શું આવરણનો અર્થ.
સંકોચ શું છે એની ખરી ત્યારે જાણ થઇ,
મૃગજળને જઇને પૂછ્યો મેં વહેતાં ઝરણનો અર્થ.
આબોહવા તો હોય છે – આબોહવાનું શું?
વાતાવરણ જો હોય તો વાતાવરણનો અર્થ ?!
છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગળાચરણનો અર્થ ?
નિષ્ઠુર છું – હું ચાહું તો તો હમણાં હસી શકું,
પણ એમાં દિલ ન લાગે તો શું આચરણનો અર્થ?
છૂટા પડી ગયા તો સમજદાર થઇ ગયા,
સમજી ગયા કે શું હતો એકીકરણનો અર્થ.
સ્વપ્નાની વાત કોઇને કહેતા નથી હવે,
સમજી ગયા છે ‘સૈફ’ હવે અવતરણનો અર્થ.
– સૈફ પાલનપુરી

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,
કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે.
કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.
આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે
– સૈફ’ પાલનપુરી

કદી વસ્તીભર્યું લાગ્યું કદી વેરાન વન જેવું,

કદી વસ્તીભર્યું લાગ્યું કદી વેરાન વન જેવું,
જવાનીમાં જીવન પર થઈ શક્યું ક્યાં કંઈ મનન જેવું.
સૂરજ ઊગ્યો છે લાવો થોડી શબનમ હું ય વરસાવું,
તમારી યાદ રૂપે છે હ્રદયમાં કંઈ સુમન જેવું.
કોઈ જો સહેજ છેડે છે તો એ શરમાઈ જાએ છે,
તમે દિલમાં વસ્યા તો થઈ ગયું દિલ પણ દુલ્હન જેવું.
તમે રિસાતે ના તો પાનખરનો ક્રમ ન જળવાતે,
અમારી ભૂલ કે દિલને સમજાવ્યું’તું ચમન જેવું.
હવે તો ’સૈફ’ ઈચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
– ‘સૈફ’ પાલનપુરી

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.
થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.
પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !
’સૈફ’ પાલનપુરી

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.
આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.
એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો,
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.
ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો’તો,
આજે એ વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું.
તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું.
મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું.
કહેવું છે પણ ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.
– ‘સૈફ’ પાલનપુરી

એક રાતે ભર સભામાં મારી ગઝલો સાંભળી,

એક રાતે ભર સભામાં મારી ગઝલો સાંભળી,
એક ગભરુ નારના ગાલો ગુલાબી થઈ ગયા.
દ્ગશ્ય આ રંગીન જોઈ શાયરો ના જુથમાં,
જે શરાબી ન હતા તે પણ શરાબી થઈ ગયા.
આંખોથી લઈશું કામ હવે બોલવું નથી,
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.
યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઈનામ? હવે બોલવું નથી.
પૂછો ના પ્રિત મોંઘી કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથી.
જો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.
સૈફ પાલનપુરી

એક દી’ એમણે પોતે જાતે કહ્યું,

એક દી’ એમણે પોતે જાતે કહ્યું,
‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.
મારા વિશે જરા થોડા રૂપક કહો,
થોડી ઉપમાઓનું આજ સર્જન કરો.
કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,
એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રિશ્તો કદી,
એ જ સમજી શકે, એ જ જાણી શકે.
કોક બીજાની હોતે જો આ માંગણી,
હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.
આ સભા દાદ દઇને દઇને થાકી જતે,
એવા સાહિત્યનું આજ સર્જન કરત.
પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?
તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,
છો રૂપાળા તમે, ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે, ચાલ બહુ ખૂબ છે,
અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.
કેવી સીધીને સાદી હતી વાત આ,
કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.
બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
કેવુ સારું ને મનગમતું બોલી ગયા.
– સૈફ પાલનપુરી

સામે નથી કોઇ અને શરમાઇ રહ્યો છું

સામે નથી કોઇ અને શરમાઇ રહ્યો છું
હું પોતે મને પોતાને દેખાઇ રહ્યો છું.
આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઇ રહ્યો છું.
એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો ‘તો
આ એની અસર છે કે હું કરમાઇ રહ્યો છું.
ગઇ કાલે અમસ્તાં જ હું થોડુંક હસ્યો’તો
આજે એ વિચાર આવતાં ગભરાઇ રહ્યો છું.
તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ
કાગળ છું હું કોરો અને વંચાઇ રહ્યો છું.
મારા વિશે કોઇ હવે ચર્ચા નથી કરતું
આ કેવી સિફત થી હું વગોવાઇ રહ્યો છું.
કહેવું છે ઘણું ‘સૈફ’ અને કહી નથી શકતો
શબ્દોની દીવાલ ને દફનાઇ રહ્યો છું.
-સૈફ પાલનપુરી

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.
મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
-સૈફ પાલનપુરી

શાંત ઝરૂખે વાટ નિરખતી-સૈફ પાલનપૂરી

શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……
એના હાથની મહેંદી હસતી’તી,
એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું’તુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીન સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતી’તી.
તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી……
વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઉર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું ?
એ પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે…….
– સૈફ પાલનપૂરી

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
મમતા રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું
વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી
મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં
પગલાં જેવું લાગે છે ત્યાં ફૂલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે
પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રીતિ કરી છે મેં
પણ આ છેલ્લી વાત કહ્યા વિના મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી
એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે
દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું
શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે
મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનિયાની સૌ પ્રીતમાં મુજને ભાગીદારી મળશે
– ‘સૈફ’ પાલનપુરી

ફુલ કેરા સ્પર્શથી પણ

ફુલ કેરા સ્પર્શથી પણ
દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો
યાદ આવી જાય છે,
કેટલો નજીક છે
આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ
એ એકલા શરમાય છે.
કોઈ જીવનમાં મરેલા
માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ
નિભાવી જાય છે.
આ વિરહની રાત છે
તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય
તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નિભાવું છું,
લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું
જીવન હવે ક્યાં જીવાય છે.
– સૈફ પાલનપુરી

વિદાય વખતે એમની પાસે એક નિશાની માગી મેં એક નિશાની માગી

વિદાય વખતે એમની પાસે એક નિશાની માગી મેં એક નિશાની માગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માગી…
મેં એક નિશાની માગી…
મેં કરી વિનંતી
કે જાગતો રહીશ હું ક્યાં સુધી મને કોઈ હાલરડું આપો,
બાળક મનને રમવા માટે એક રમકડું આપો;
ઝૂલ્ફની ખૂશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો,
જતાં જતાં મારા સૂના મનને કંઈક તો વસ્તી આપો.
વિરહની રાતો પોતે જેને જીવની જેમ સંભાળે,
આપો એક વચન કંઈ એવું લાખ વરસ જે ચાલે,
પાયલ પહેર્યા બાદ પડ્યાં જે તે સૌ પગલાં આપો,
પનઘટ પરનાં છાનાં મિલનના થોડા નકશા આપો,
મેં એક નિશાની માગી…
સૂણી વિનંતી બોલ્યા તેઓ નજરને નીચી રાખી,
‘દિલ જ્યાં આપ્યું પછી કહો શું આપવા જેવું બાકી?’
મારી યાદ હશે જો દિલમાં ને જો સુરજ ઢળશે,
પ્રેમના સોગંદ રણમાંથી પણ તમને પનઘટ મળશે,
ઝૂલ્ફની ખૂશ્બો,સ્મિતની રોનક,નયનની મસ્તી મળશે,
ક્ષણભર યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.
બાકી જેને ભૂલી જવું હો એજ નિશાની માંગે,
પ્રીતમ જેના મનમાં શંકા – એજ નિશાની માંગે.
કેવો પ્રીતભર્યો આ ઠપકો, કેવી શીખ મજાની,
આથી બહેતર ‘સૈફ’ શું મળતે બીજી કોઈ નિશાની!
– સૈફ પાલનપુરી

હઝલ

હાસ્યની વાણી હઝલ, ને રાજાની રાણી હઝલ,
સો બિમારીની દવા ક્યાંથી તમે આણી હઝલ ?
એ બધું રાખે છે મનમાં, ખૂબ છે શાણી હઝલ,
ને કવિતા માસીની એ થાય છે ભાણી હઝલ
કોઈ કહે લૂલી છે ને કોઈ કહે કાણી હઝલ,
વરસોથી વાંચી તમે પણ ના હજી જાણી હઝલ.
એમને મન તો છે એ મક્કાઈની ધાણી હઝલ,
મામાના મન તો હજી છે ઘાંચીની ઘાણી હઝલ
ધબકી જ્યારે એ ‘ધબાકા’માં ”સૂફી”ના દોસ્તો,
ત્યારથી લોકોએ પિછાણી હઝલ, માણી હઝલ
-સૂફી મનૂબરી

જીવનભર સુખ અને દુઃખમાં કરી મેં બંદગી તારી

જીવનભર સુખ અને દુઃખમાં કરી મેં બંદગી તારી
કદી ઈશ્વર, કદી અલ્લાહ કહી માળા જપી તારી
વસે છે દિલમાં તું મારા અને દુનિયા ની રજ રજ માં
નજર જ્યાં જ્યાં પડી ત્યાં ત્યાં મેં જોઈ છે છબી તારી
આ દોરી શ્વાસની મારી અને આ દિલના ધબકારા
મેં આ ઘટમાળમાં જોયું, કરામત છે ભરી તારી
ગયો મંદિરોમાં ને હું ગયો મસ્જિદોમાં ભગવંત
ગયો ગુરુદ્વારા, ગિરજામાં, કરી ત્યાં બંદગી તારી
પહાડો જંગલો દરિયા, સરોવર વાદળો રણમાં
નઝારા જ્યાં મેં જોયા ત્યાં, કરી છે આરતી તારી
મળી છે પ્રેમમાં તારા નવી દ્રષ્ટિ પ્રભુ પ્યારા
હરેક સતસંગમાં તેથી મળી મોજુદગી તારી
પુજારી કે નમાજી ના દિલોમાં પ્રેમ પેદા કર
કે ધર્મોમાં પૂરી થઈ જાય, જ્યાં જ્યાં છે કમી તારી
પ્રભુ તરબોળ તારા ઈશ્કમાં છે આતમા મારો
હવે હરપળ ‘સૂફી’ કરતો રહે છે બંદગી તારી
– ‘સૂફી’ પરમાર

માન્યતાના વાંકે

પ્રભુથી પ્રેમ છે તારો, ખુદાથી ઈશ્ક છે મારો
તું મારો દોસ્ત છે પ્યારો, ભલે જે ધર્મ છે તારો
ઘણાછે બહુજ પ્યારા દોસ્ત મારા આજ દુનિયામાં
નથી પુછ્યું મેં કોઈ દોસ્તને શું ધર્મ છે તારો
અમે ચર્ચા કરી આધ્યાત્મની ને દુનિયાદારીની
પરંતુ ધર્મની વાતોનો ન આવ્યો કદી વારો
કર્યું કલ્યાણ ધર્મોએ પ્રભુના પંથ બતાવીને
હવે કઈ શિક્ષા માનવને બનાવીદે છે હત્યારો?
ઘણી પાયા વગરની માન્યતાના રોગ છે જગમાં
આ પોકળ માન્યતાઓથી પ્રભુ આપોને છુટકારો
ભયંકર મોડ પર આવી ઉભું છે આ જગત આજે
નવો રંગ ધર્મનો કંઇ ના બને જગ નષ્ટ કરનારો
મને દેખાયછે ઇનસાન ના કે હિંદુ શીખ મુસ્લિમ
હૃદયની આંખથી દેખાય છે બસ પેદા કરનારો
‘સૂફી’નું મન કરો વિશુદ્ધ ઓ ઈશ્વર, પ્રભુ પ્યારા
રહું ના અંધ શ્રદ્ધામાં, જીવનભર હું ભટકનારો
‘સૂફી’ પરમાર

ધ્રૂજતી જ્યોત

વિચારો ક્રાન્તિકારી લઈ અસ્વસ્થ થઈ ફરૂં છું હું
જે હાલત છે જમાનાની બહુ તેથી ડરું છું હું
ઘણી વાતો કરું હું ઉગ્રતાવાદી જગતને પણ
જે દિલમાં છે તે બોલું તો વિનાં વાંકે મરું છું હું
વિચિત્ર માન્યતાની બેડીઓ લાગેલી છે પગમાં
કલમથી તોડવા તેને કલમબાજી કરું છું હું
વિના ધર્મોની દુનિયાની કરું છું કલ્પના જ્યારે
નવા રૂપ્ રંગમાં આ ધરતીના દર્શન કરું છું હું
સમર્થન ક્યાં મળે મારા વિચારોને કલિયુગમાં
હું તો છું એકલો તેથી જમાના થી ડરું છૂ હું
પ્રગતિશીલ વિચારોના શિકારીથી ડરીને હું
જમાનાને પસંદ આવે છે તે વાતો કરું છું હું
વિચારોને કબરમાં લઈ જવાના પાપથી બચવા
વિચારોને ઇશારાઓમાં વ્યક્ત કરતો ફરું છું હું
મેં જોયા રંગ દુનિયાના બદલતાને બગડતા પણ્
અધર્મ, ધર્મ થઈ ચમકે તો આહ ઊંડી ભરું છું હું
પ્રભુથી પ્રેમ છે મારો, મને છે પ્રેમ પંથ પ્યારો
પવિત્ર પ્રેમથી ભરપૂર ધર્મ હૈયે ધરું છું હું
નહીં ધર્મોમાં પણ સુકર્મોમાં છે મોક્ષનો રસ્તો
‘સૂફી’ કહેછે કે શાસ્ત્રોમાં કહી વાતો કરું છું હું
– ‘સૂફી’ પરમાર

પ્રભુજી ઈંટ અને પથ્થરનાં ઘર આપ્યાં અમે તમને

પ્રભુજી ઈંટ અને પથ્થરનાં ઘર આપ્યાં અમે તમને
નથી દિલ માં જગ્યા, રાખે કોઈ દિલમાં હવે તમને
અમારું ઘર અમારું છે, તમારું ઘર તમારું છે
તમે રહેજો તમારે ત્યાં, મળી શું ત્યાં અમે તમને
પરિસ્થિતિ તમારી લાગેછે કેદી સમી અમને
તમારું ધૈર્ય જોઈ ને હું લાગું છું પગે તમને
તમે વિશ્વ બનાવ્યું પણ તમોને ઘર અમે આપ્યાં
કહો તો ઘર ઘણા બીજાં બનવી આપીએ તમને
થશે ઉદ્ધાર્ માનવ જાતનો શી રીત થી જગમાં
રમીને ખૂનની હોળી અમે જો ઝુકીએ તમને
દયા સાગર ખરાબે જઈ ચઢી છે આજની દુનિયા
બતાવો શું કરી ને પાછા જગમાં લાવીએ તમને
પરિવર્તન પ્રભુ લાવોને માનવજાતની અંદર
તજીને ધર્મોનાં ઘર્ષણ અમે સૌ પૂજીએ તમને
– સૂફી પરમાર

થોડી જીદ તમે છોડી હોત-સુસમિન ગાંધી

થોડી જીદ તમે છોડી હોત
થોડી જીદ અમે છોડી હોત
તો આ જીંદગી આપણી હોત…!
થોડુ તમે હસ્યા હોત
થોડુ અમે હસ્યા હોત
તો આ જીંદગી હાસ્યનો ફુવારો હોત…!
થૉડુ તમે રડ્યા હોત
થૉડુ અમે રડ્યા હોત
તો આ જીંદગી આંસુ લુછી શકી હોત…!
થૉડુ તમે ખસ્યા હોત
થૉડુ અમે ખસ્યા હોત
તો આ જીંદગી સમીપ હોત…!
થૉડુ તમે રાહ જોઈ હોત
થૉડુ અમે રાહ જોઈ હોત
તો આ જીંદગીને રાહ મળી ગઈ હોત…!
થોડી તમે અનુભવી હોત
થોડી અમે અનુભવી હોત
તો આ જીંદગી એક કલ્પના ના હોત…

વિચાર વલોણુ – જયકાંત જાની ( અમેરીકા )

[1] જ્યારે સ્વાસ્થય સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ મંદવાડ આવવાનો શરૂ થાય છે ને તન અને મન પણ સાથ નથી આપતા, એ ભૂલતા નહીં !
[2] સાચી સમજણમા સુખ છે, ગેર સમજણમા નહીં. આ વાત ભૂલતા નહીં !
[3] આસમાની કે સુલતાની દુખો સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !
[4] તમારી ખોટુ બોલવાની આવડત ને લીધે , તમે જે ખોટુ બોલો છો તે પત્ની સાચુ માની લેતી નથી !
[5] તમારા લગ્ન સંસારને ટકાવી રાખવા માટે મૌન રહો, બોલવું જ પડે મનમા બોલીને જ પતાવો !
[6] ચંદ્રમુખી કે સુર્યમુખી લાગતી પત્નીને કાળમુખી થતા વાર નથી લાગતી !
[7] કુમળી વેલ જેમ વ્રુક્ષ ને વીંટળાઇ રહે તેમ ગર્લફ્રેન્ડ ભલે તમને વિંટળાઇ રહે પણ યાદ રાખજો કે વેલને સહારો આપવામા આખરે વ્રુક્ષજ ભીંસાવાનુ છે.
[8] કોઈને સ્વાર્થ વગર પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. લાભ વગર , લાલો નહીં લોટે નથી !
[9] પ્રેમને અને વાસનાને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી વાસના ના વહાણ વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !
[10] તમારી ઈચ્છા મુજબ તમારા સંતાનો વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે તમેય ક્યારેક સંતાન હતા ને !
[11] નવી ગર્લ ફ્રેન્ડ ની આરતિ ઉતારવામા કશું ખોટું નથી પણ જુની ગર્લ ફ્રેન્ડને અવગણવામાં પ્રેમનુ જ અપમાન છે, કારણ એ એ જ ગર્લ ફ્રેન્ડ છે જેના સ્મીત પર તમે જ મરતા હતા તેની આંખના આંસુ તમારે જ લુછવાના જ છે !
[12] પત્ની ની હથેળીમાં મૂકેલો પૈસો લાંબો ટકતો નથી, ઉદારતા પણ નહીં. ચુમીઓ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !
[13] સ્વાર્થના સંબંધો જલ્દી તુટ્તા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. પ્રેમ ટકાઉ સંબંધો લઈને આવતો હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !
[14] પ્રેમમા હરીફાઇ હોતી નથી, પ્રેમ મા હારજીત હોતી નથી!
[15] પૈસા કમાવાઇને તુ પરેવાની રોટલી ખાજે , પરસેવો વળે ત્યા સુધી રોટલી ખાતો નહીં !
[16] દરેક ખોટી વાસના નો ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે સબુરી હોવી જોઈએ.
[17] પ્રેમીકા ને પ્રેમ કરતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી આવક અને બીજી પ્રેમીકાનો હાથખર્ચ !
[18] વિધાતાએ દરેકને શ્રાપ આપેલો જ છે, ખાસ કરીને પતિઓને…. કે પત્ની સામે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, મર્દાનગી પણ નહીં, ઝુકવુ જ પડે છે !
[19] પતિ અને પત્ની નો સંબંધ અને સાસરીયા સાથે સંબંધ એ બન્ને અલગ અલગ છે, વિચારજો !
[20] કલ્પના નો વિસ્તાર અપાર છે. પામે છે કોણ ? સપ્ના ના સૌદાગર . પ્રેમ ક્ષેત્રમાં આવું જ હોય છે, પ્રેમીઓ જ પામી શકે છે, લગે પ્રેમજી ભાઇ !
[21] તમારી બે હાલીની ખબર એક પત્ની અને બીજી પે્મીકાને જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, પ્રેમીકા તેનું નિવારણ !
[22] સત્યવાદી હરીચદ્ર બનવાની ઈચ્છા કોઇની હોતી નથી, પણ ઉપરવાળો કર્મોનો ભોગવટો ભોગવાની ફરજ પાડે છે , તેનો ભય એને સતકર્મો કરવા મજબૂર કરે છે, ખરૂને !
[23] તમે સંસાર પાછળ પડ્યા છો તો મોહ માયા એ આગળ જ રહેવા્ના છે, ભગવાન તમારા થી દુર એ ખ્યાલમાં રાખજો !
[24] મોહીની વશીકરણ થતાં વાર લાગે છે, વળગાડ કારણ વગર પણ થઈ શકે છે !
[25] પ્રેમ કરો કે ન થાય એટલે દુનિયા લુટાઇ જતી નથી , દુઃખી થવાની જરૂર નથી, પ્રેમીઓની પડતીના બીજાં અનેક કારણો છે, એટીટ્યુમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !
[26] પ્રેમીઓ માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ રૂપ, રસ, ગંધ , સ્પર્શ અને સંવનની છે, ચાન્સ મળે પૂરી કરો, તેઓ તુપ્ત થશે અને તુપ્ત કરશે !
[27] તમારી પત્નીને વિધવાની જેમ અને સંતાનોને અનાથબાળકો જેમ ટ્રેઇન કરો એટલે તમે નહીં હો તો કશું જ અટકી જશે નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે સંસાર નો ભાર રાખીને ફરવાની જરૂર નથી, એ સમજો બને એટલા જલ્દીથી !
[28] હુ તમારી છોકરી ને ચાહુ છુ એમ કહેવુ એ કોઇની છોકરીને ભગાડી જવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.
[29] તમારી સુખનો આધાર તમેજ છો બીજા તમને સુખી કરશે , એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !
[30] ખરીદી શકાય એવી માં ક્યાંય મળતી નથી, ને વેચી શકાય માત્રુત્વ કદી હોતું નથી !

ચિંતન-પંચામૃત – હિમાંશુ શાહ

1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો, એ ભૂલતા નહીં !
[2] બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં !
[3] વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !
[4] ભગવાનનો પાડ માનો કે તમે જે અનુમાનો બાંધો છો તે બધાં સાચાં નથી પડતાં !
[5] તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખો, બોલવું જ પડે તો ખૂબ ટૂંકાણમાં જ પતાવો !
[6] સવારે જ ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છે, યાદ રાખો. સતત ખીલેલું કશું જ રહેતું નથી !
[7] બીજાના જોરે પ્રકાશિત થવામાં વાંધો તો કશો હોતો નથી, પણ ક્યારેક જ પૂર્ણ પ્રકાશિત થવાનો મોકો મળે છે, બાકી તો દિવસે દિવસે વેતરાતું જ જવાય છે, ચંદ્રને ઓળખો છો ને ?
[8] કોઈને પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. એ ફોરમ જેવો સહજ છે, પ્રયત્નથી થતો નથી !
[9] પ્રેમને અને આંસુને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી આંખમાંથી આંસુ ન વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !
[10] આપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ ઈચ્છા જેવું હોય ને !
[11] ઊગતા સૂર્યને પૂજવામાં કશું ખોટું નથી પણ ડૂબતા સૂરજને નકારવામાં એ ઊગતા સૂરજનું જ અપમાન છે, કારણ એ એ જ સૂરજ છે જેને સવારે તમે જ પૂજ્યો હતો ને કાલે પાછો એ ઊગવાનો જ છે !
[12] હથેળીમાં મૂકેલો બરફ લાંબો સમય રહેતો નથી, ઠંડક પણ નહીં. હૂંફ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !
[13] સમયના વહેણની સાથે સાથે કેટલાક સંબંધો પણ વહી જતા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. વહેણ પોતાની સાથે કેટલાક નવા સંબંધો પણ લઈને આવ્યું જ હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !
[14] સત્યની સ્પર્ધા હોતી નથી, સત્ય સ્પર્ધામાં હોતું નથી, સત્ય સ્પર્ધક નથી, એ નિતાંત છે, નિશ્ચલ છે !
[15] પૈસા કમાવામાં કોઈ કસર નહીં કરતાં, પણ એટલું સતત યાદ રાખજો કે રોટલી ઘઉંના લોટની જ બને છે, સુવર્ણરજની નહીં !
[16] દરેક ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે ધીરજ હોવી જોઈએ.
[17] બાળકને રમાડતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી ઉંમર અને બીજી બાળકની ઊંમર !
[18] પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો જ છે, ખાસ કરીને રાજકારણીઓને…. કે અંતિમ સમયે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, પૈસા પણ નહીં, મરવું જ પડે છે !
[19] લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી એ બન્ને અલગ અલગ છે, વિચારજો !
[20] દરિયાની સમૃદ્ધિ અપાર છે. પામે છે કોણ ? જાનની બાજી લગાવી દેનાર મરજીવા. દરેક ક્ષેત્રમાં આવું જ હોય છે, મરજીવા જ પામી શકે છે, લગે રહો !
[21] તમારી હાલતની ખબર એક માતાને અને બીજી પત્નીને પડી જતી જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, મા તેનું નિવારણ !
[22] બેસણામાં આવવાની કોઈની ઈચ્છા હોતી નથી, પણ ત્યાં જે હાજરીપત્રક રાખવામાં આવે છે, તેનો ડર એને ત્યાં આવવા મજબૂર કરે છે, વિચારજો !
[23] તમે જેની પાછળ પડ્યા છો એ આગળ જ રહેવાનો છે, એ ખ્યાલમાં રાખજો !
[24] દોસ્તી કારણથી પણ થતાં વાર લાગે છે, દુશ્મની કારણ વગર પણ થઈ શકે છે !
[25] લગ્ન ન કરો કે ન થાય એટલે જીવન ખાલી ખાલી નથી થઈ જતું, દુઃખી થવાની જરૂર નથી, એને માટે બીજાં અનેક કારણો છે, વિચારોમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !
[26] વૃદ્ધજનો માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ સાંભળનારની છે, સમય સાંપડ્યે પૂરી કરો, તેઓ સુખી થશે અને તમે સુખી બનશો !
[27] તમારા હોવાથી કશું ચાલતું નથી એટલે તમે નહીં હો તો કશું જ અટકી જવાનું નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે ભાર રાખીને ફરવાની જરૂર નથી, એ સમજો બને એટલા જલ્દીથી !
[28] કોઈની હથેળીમાં રૂપિયા મૂકવા એ ઝૂંટવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.
[29] તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરે, એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !
[30] ખરીદી શકાય એવું સુખ ક્યાંય મળતું નથી, ને વેચી શકાય એવું દુઃખ હોતું નથી !

સુવિચાર

  • ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.
  • ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.
  • તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.
  • લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
  • પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.
  • સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
  • થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.
  • એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.
  • ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
  • સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
  • પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
  • વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.
  • ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.
  • પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.

સુવિચાર

(૧)એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે , એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે!
(૨)સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!
(૩)લાકડાનો અગ્નિ લાકડાને બળે છે , તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે!
(૪)આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા!
(૫)સ્વતંત્ર થાઓ પણ સ્વછંદી ના થાઓ , કરકસર કરો પણ કંજુસાઈ ના કરો,
(૬)ઉદાર બનો પણ ઉડાઉ ના બનો, નમ્ર બનો પણ નમાલા ના બનો!
(૭)કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!
(૮)સ્વ માટે પ્રાથીએ તે તો માત્ર યાચના છે, સૌ માટે યાચીએ તે જ સાચી પ્રાર્થના છે!
(૯)પ્રાર્થના આત્માનો ખોરાક છે! નમ્રતા વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!
(૧૦)જેની આંખોમાં અમી તેને દુનિયા ગમી, જેની વાણીમાં અમી તેને દુનિયા નમી!
(૧૧)જીવનનો આધાર વાણી અને પાણી પર છે! ઈચ્છા દુખની માં છે!
(૧૨)ઉપવાસ તૂટે તો વાંધો નહિ , કોઈનું દિલ ના તૂટવું જોઈએ!
(૧૩)માણસ જન્મે ત્યારે ઝભલાને ખીંચું નથી હોતું, માણસ મરે ત્યારે કફનને ખીંચું નથી હોતું!
(૧૪)અનુભવ મેળવવા કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!
(૧૫)ચારિત્ર એટલે સારી ટેવ ,સારી ટેવ પાડવાથી જીવન સુંદર અને સુઘડ બને છે!
(૧૬)સાચી સુંદરતા હૃદયની આંખો દ્વારા જ જોઈ શકાય છે!
(૧૭)સાચી સુંદરતા કોમળતામાં છે અને કોમળતા અલંકારને વહી સકતી
નથી!
(૧૮)ક્ષમા આપવી સારી બાબત છે પણ, તેને ભૂલી જવું તેનાથી વધુ સારી વાત છે!
(૧૯)શરમ કરતા ભાઈબંધી વધારે કીમતી છે , તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો જોઈએ!
(૨૦)જીવન છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે!
(૨૧)જીવનન મુખ્ય ચાર સુખ છે:
—–પહેલું સુખ જાતે નર્યા,
—–બીજું સુખ ઘેર દીકરા,
—–ત્રીજું સુખ કોઠીએ જાર,
—–ચોથું સુખ સુલક્ષણા નાર!
(૨૨)દુખના બે પ્રકાર છે:
—–કર્મ અનુસારનું આવી પડતું દુખ અને
—–બીજું બીજાના સુખની સરખામણીથી થતું દુખ!
(૨૩)જાગતાની સાથે જ મરણનું સ્મરણકરો જીવનનું મહત્વ સમજાશે!
(૨૪)મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે??? ફૂલડાં ડૂબી જતાને પથરા તારી જાય છે!
(૨૫)છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહયલું ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે!
(૨૬)ગરીબો શ્રીમંતોની નફરત કરતા હોય છે, તેમ છતાં તે શ્રીમંત બનવા પ્રયત્ન કરતા હોય છે!
(૨૭)તિલક કરતા ત્રેપન ગયા, જપ-માળાના નાકા ગયા, ચાલી ચાલી થાક્યા ચરણ તોય ના પહોંચ્યા હરિના શરણ

સુવિચાર

  1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં,
    પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતુંકારખાનું બનાવો.
  2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે.. વિચારો તો minute લાગે છે.. સમજાવો તો દિવસ લાગે છે…
    પણ તેને સાબિતકરતા આખી જીંદગી લાગે છે..!!
  3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવીપણ ના દેતા..!! ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં.,
    એમાં સંબંધઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા . !!
  4. તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતેખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે.
  5. જીવન પિયાનોની જેમ છે.સફેદબટન સુખ રુપ છે. કાળુ બટન દુઃખરુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે.
  6. ક્રોધ પ્રિતીનો નાશ કરે છે માન વિનયનો નાશ કરે છે માયા મિત્રોનો નાશ કરે છે લોભ સર્વનો નાશ કરે છે
  7. એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો.. ટ્રાફિક,ટ્રેડિંગ અને ટેન્શન…ત્રણ ”ટ”
    પોલિટિક્સ,પોપ્યુલેશન, પોલ્યુશન,પોવર્ટી અને પાવર …. મંદી,મોંધવારી,મેહ,મોત અને મહેમાન…
  8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકસવાનું સહેલું છે. પણ આપણી જભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.
  9. કામ,ક્રોધ,લોભ,શંકા(વહેમ)અહંકાર ,ઈર્ષા આ જીવાત્માના છ શત્રુઓછે.
  10. પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજયરથને લઞાડી, ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેની ઉપર ગોઠવી, વિવેક બુદ્દિધને સારથી બનાવિ . સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડા પર વિજય રથને જોતરી તમે સ્વયં તેમાં બિરાજશોતો જીવન સંગ્રામ જીતશો.
  11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.
    12.. જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખી છે. જે ભૂતકાળને વલોવતો ના હોય, ભવિષ્ય ની ચિંતા કરતો ના હોય અને વતૅમાન માં જીવતો હોય તે સુખી છે.
  12. જયારે સલાહ જોઈએ તો બધા લોકો તમને સલાહ આપશે,જ્યારે સહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમને સલાહજ આપશે,સહાયતા નહી.
  13. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી.તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી,
    કોઈને દુઃખ દેવાની તમારીભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.
  14. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી, વતૅન અને કમૅની સુગંધથી શોભે છે.
  15. ઘરમાં શાંતિ થાય એ જ મોટામાં મોટું ભણતર.
  16. ફૂલ કહે છે મારી જેમ જીંદગીમાં હસતા રહો. વાદળી કહે છે મારી જેમ બીજા માટે વરસી જાઓ,ભમરો કહે છે કે સુખ અને દુઃખમાં સદા ગીત ગાયા કરો. ઘડિયાળ કહે છે કે સમય ચૂકશો તો કિંમત ઘટી જશે. સૂર્ય કહે છે કે અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે નહિ જુએ.
  17. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે આજનો માનવીફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.

સુવિચાર

[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !
[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે,પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.
[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !
[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !
[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.
[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.
[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે– જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.
[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.
[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો!
[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !
[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.
[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.
[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !
[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !
[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.
[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !
[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !
[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો,અને પછી અરધી મીંચેલી.
[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી

વાગોળવા જેવા વિચાર – સંકલિત

[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
[2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.
[3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
[4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.
[5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.
[6] દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.
[7] જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.
[8] પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.
[9] દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.
[10] દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.
[11] હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે.
[12] સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.
[13] નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી. [14] શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.
[15] બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?
[16] જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે.
[17] જગતનાં સર્વ ઝગડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે.
[18] આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
[19] કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે.
[20] સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.
[21] જે માણસ પોતાની જાતને સુધારવા બેઠા હોય તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી.
[22] એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.
[23] અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.
[24] જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે.
[25] જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક : એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.
[26] પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.
[27] તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.
[28] જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.
[29] બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.
[30] આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.
[31] બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.
[32] વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.
[33] દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ.
[34] તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે.
[35] કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.
[36] પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
[37] માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં.
[38] દિવસમાં બે-ત્રણ વખત સ્મશાન ને યાદ કરવામાં આવે તો બુદ્ધિમાં જરૂર ફેર પડશે

* સુવિચાર *

1.બીજાના જે દોષોને આપણે વખોડતા હોઈએ, તે જ દોષમાં આપણે પોતે ન પડીએ, તે માટે સજાગ રહીએ તો સારું !
2.મિત્રતા બાંધતા પહેલાં, સર્વપ્રથમ આપણે સ્નેહની એક વ્યાખ્યા સ્થાપિત કરીએ કે જેથી કરીને તેનો સ્વભાવ અને શક્તિ આપણને સમજાય.
3.વિવેક માનવીને શુદ્ધ વિચારો દ્વારા સદગુણ તરફ દોરે છે અને પોતાનો અધિકાર સ્થાપિત કરીને એ માનવીને મિત્રાચારી બનાવે છે.
4.દષ્ટિ એ આપણી કાયાની ખૂબ જ તીવ્ર ઈન્દ્રિય હોવા છતાં, તે ડહાપણને ઓળખી શકતી નથી.
5.વાગશક્તિ કોઈ પણ માણસને સત્ય જ્ઞાન વગર બોલવાની ફરજ પાડતી નથી પણ વાગદેવી કહે છે કે : મારી પાસે આવતાં પહેલાં સત્યની પ્રાપ્તિ કરો અને પછી મારી આરાધના કરો.
6.સદગુણ શીખવી શકાતો નથી. એને એકત્રિત કરી શકાય. એકત્રિત કરવું એટલે પોતાની સઘળી શક્તિ એકઠી કરવી, આત્મનિમગ્ન થવું.
7.માનવીએ પંખીની માફક ઉડતા શીખી લીધું છે, અને માછલી માફક તરતાં પણ.! હવે તેને જે શીખવાનું છે તે માનવી માફક જીવતાં.!
8.આળસુ માણસને જો સૌથી ઝડપથી કંઇ સાંપડતું હોય તો તે છે થાક…
9.જીવન તો દર્પણ જેવું છે. આપણે ઘૂરકીએ તો તે સામું ઘૂરકે છે, આપણે સ્મિત કરીએ તો અભિવાદનનો સામો પડઘો પાડે છે.
10.આ દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક… જેઓ મહેનત કરે છે….અને બે….જેઓ યશ કમાય છે..!
11.તમારા માટે તેઓ ખરાબ બોલે છે એમ જ્યારે પ્લેટોને કહેવામાં આવ્યું ત્યારે પ્લેટોએ પોતાના મિત્રને કહ્યું : ‘હું હવે પછી એવી રીતે જીવવાની વધુ કાળજી લઈશ કે તેઓના કહેવા ઉપર કોઈને વિશ્વાસ જ ન આવે.’

જીવનના સાત પગલા

જીવનના સાત પગલા
1) જન્મ —— એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
2) બચપન —— મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
3) તરુણાવસ્થા —— કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે, મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
4) યુવાવસ્થા —— બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે, કુરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
5) પ્રૌઢાવસ્થા —– ખૂદને માટે કંઇ ન કરી શકતાં, મળેલુ આપવાની પણ ખૂશી છે. કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિષા છે.
6) ઘડપણ —— વિતેલા જીવનનો સરવાળો છે, મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
7) મરણ —— જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિસાબ થશે, સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે…..

પ્રાર્થના

હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.
મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,
પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.
સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ –
એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

પૈસો બોલે છે

મારા મરણ વખતે બધી નોટો અહિં પધરાવજો,
મારી નનામી સાથે કોરી ચેક-બુકો બંધાવજો,
ડાઘુઓમાં સંઘરાખોરોને પ્રથમ બોલાવજો,
કોઇ ચૌદશિયાને પેલા દોણી દઇ દોડાવજો,
માલને મુડી બધી મુકી દઇને જાઉ છું
બંગલા અને મોટરો પણ અહિંયા જ મુકતો જાઉ છું,
લખપતિ કહેવાઉં, પણ ખાલી હાથે જાઉ છું,
શું કરૂં લાચાર છું, બસ એકલો હું જાઉ છું,
જીવ મારો ધન મહિં છું, એટલું ના ભુલશો,
ભુત થઇ પાછો આવીશ એ કહીને જાઉ છું,
છેતર્યો નિજ આત્માને, છેતરી સરકારને,
છેતર્યા કંઇક ગરીબો, છેતર્યા લાચારને,
કોઇ વિધવાઓને રડાવી, લઇ લીઘા ફુલ હાર મેં,
ભરબજારે શેઠ થઇ લુંટી લીધા શણગારમેં,
દીઘો દગો મિત્રો સંબંધીઓ બધાનાં પ્યારને,
મેં છેતરી કુદરતને, છેતર્યો સંસારને,
લાખો મુકીને જાઉ છું, દમડી રહી સાથે નથી,
જાઉ છું તો વાલની વીંટીએ પણ હાથે નથી,
ભરબજારે ચોકમાં, ખાંતી તમે ખોદાવજો,
એ પુણ્યનો પૈસો નથી, એ દાનમાં દેશો નહિં,
ને લખપતિ કાલો ગયો, એ લેખ માહિ લખાવજો,
હેવાનના પૈસા, કોઇ ઇન્સાન ને દેશો નહિં.

જીવનની બારાક્ષરી

ક – કહે છે કલેશ ન કરો.
ખ – કહે છે ખરાબ ન કરો.
ગ – કહે છે ગર્વ ન કરો.
ઘ – કહે છે ઘમંડ ન કરો.
ચ – કહે છે ચિંતા ન કરો.
છ – કહે છે છળથી દૂર રહો.
જ – કહે છે જવાબદારી નિભાવો.
ઝ – કહે છે ઝઘડો ન કરો.
ટ – કહે છે ટીકા ન કરો.
ઠ – કહે છે ઠગાઇ ન કરો.
ડ – કહે છે કયારેય ડરપોક ન બનો.
ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો.
ત – કહે છે બીજાને તુચ્છકારો નહીં.
થ – કહે છે થાકો નહીં.
દ – કહે છે દીલાવર બનો.
ધ – કહે છે ધમાલ ન કરો.
ન – કહે છે નમ્ર બનો.
પ – કહે છે પ્રેમાળ બનો.
ફ – કહે છે ફુલાઇ ન જાઓ.
બ – કહે છે બગાડ ન કરો.
ભ – કહે છે ભારરૂપ ન બનો.
મ – કહે છે મધૂર બનો.
ય – કહે છે યશસ્વી બનો.
ર – કહે છે રાગ ન કરો.
લ – કહે છે લોભી ન બનો.
વ – કહે છે વેર ન રાખો.
શ – કહે છે કોઇને શત્રુ ન માનો.
સ – કહે છે હંમેશા સાચુ બોલો.
ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.
હ – કહે છે હંમેશા હસતા રહો.
ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો.
જ્ઞ – કહે છે જ્ઞાની બનો.

Leave a Comment